...( જ્ઞાનગોષ્ઠી : - ભાગ - ૧ )
આજે જણીયે,
...#...ગુજરાતનું ગૌરવ ભક્ત નરસિંહ ....#...
ખરેખર શું હતો આ જીવ...???
કવિ...?
ભક્ત...?
સંત...?
અવધુત કે ક્રાંતિકારી ?
નરસીંહ વિષે થોડાં ઘણા ભજન જેવા કાવ્યો ગણગણીને આપણે કહીએ કે આ નરસિંહ મહેતાનુ છે,અને આ પ્રભાતિયું પણ નરસિંહ મહેતાનું છે.પરંતુ ખૂબ ઓછું જાણીએ છીએ આપણે નરસિંહ વિષે,અથવા તો એમ કહું કે કંઇ જાણતા જ નથી એમના વિશે...
"ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે."
ખુબ જ ગહન વાતોને સાદી સરળ શૈલીમાં આ સંત કહી ગયા છે, ભક્ત કહો કે સંત કહો, પણ અવધુત અને યોગીથીયે ચડે તેવી વાતો નરસિંહ ગુજરાતીમાં પદ્ય રુપે કહી ગયા છે. ૬૦૦ વર્ષ પહેલાં નરસિંહનો જન્મ થયો હશે (૧૪૦૪ થી ૧૪૧૪ સુધીના સમયની અટકળ છે. ) ૧૪૮૦ માં મૃત્યું થયું હશે એવી અટકળ છે. ૧૬૧૨ માં પહેલી હસ્તપ્રત મળી. નરસિંહ રચિત હારમાળાના પ્રસંગમાં સમયનો એક આધાર મળે છે, સં.૧૫૧૨ માગસર સુદ-૭ ( ઇ.સ. ૧૪૫૫ ) ભાષા શાસ્ત્રીઓએ તો વિવાદ છેડ્યો હતો કે નરસિંહના આ બધા પદો જે ભાષામાં છે તે ભાષા ૬૦૦ વર્ષ પહેલાં હતી જ નહી, અને આ પદો નરસિંહના બનાવેલા નથી. જવાહર બક્ષીએ પોતાના વક્તવ્યમાં ’ડાયસ’ ઉપર ઠોકી ઠોકીને કહ્યું કે આ વિવાદનો અંત આવવો જોઇએ. ૧૧ મી સદીમાં એ વખતે ભારત ભરમાં ૨૭ અપભ્રંશો બોલાતા હતાં જે પ્રાકૃતમાંથી ઉદ્ભવેલા હતાં, તેમાંનું એક “લાટ” અપભ્રંશ સુરતથી રત્નાગિરી સુધીના વિસ્તારમાં બોલાતું. અમદાવાદ તરફ ગુર્જર અપભ્રંશ બોલાતું અને સૌરાષ્ટ્રમાં નાગર અપભ્રંશ બોલાતું, રાજા ભોજનાં કંઠાભરણમાં આની સાબિતી મળે છે. જવાહર બક્ષીએ કહ્યું આ વિવાદનો અંત આવવો જોઇએ અને આ બધા પદો નાગર અપભ્રંશમાં રચેલા નરસિંહના જ છે.
નરસિંહે હરિજન વાસમાં જઇ અને ભજનો ગાયા આ તેની ક્રાંતિ છે. આજ થી ૬૦૦ વર્ષ પહેલા આ ક્રાંતિકારીએ રાજદંડ અને નાગર જ્ઞાતિની પણ પરવા કરી નહિં.નાગર જ્ઞાતિને તો એમના શૃંગાર રસના પદો સાથે પણ વાંધો હતો, પણ આ પદોય આધ્યાત્મિક ઉંડાણ વાળા જ છે. આ શૃંગાર રસ વાળા પદો આપણા ચોખલીઆ સાહિત્યકારોએ જાણીજોઇને આપણા સુધી આવવા જ નથી દીધા.
ગુજરાતી ભાષાનું સૌથી પહેલું આખ્યાન-કાવ્ય જો હોય તો તે છે નરસિંહનું ’સુદામા ચરિત’.
નરસિંહ રચિત કુલ ૮૦૭ પદો છે.
૬૫-જ્ઞાનના, ૯-સુદામા ચરિત, ૪-ઝારીના પદો, ૧૦૨-આત્મ ચરિતના ( શામળશાનો વિવાહ, કુંવર બાઇનું મામેરુ, હારમાળાનો અને હુંડીનો પ્રસંગ ) કુલ થયા ૧૮૦ અને ૬૨૭ પદો કૃષ્ણલીલાના છે. આ કુલ ૮૦૭ પદો દાવા સાથે કહી શકાય કે નરસિંહના જ રચેલા છે.
રહસ્ય વાદ અને જ્ઞાનના પદો :
"જાગને જાદવા કૃષ્ણ ગોવાળીયા"–
આ પદમાં ૩૬૦ ત્રણસો સાંઇઠ ગોવાળ ટોળે મળ્યાં, વડો રે ગોવાળીયો કોણ થાશે. ત્રણસો સાંઇઠ જ કેમ ? પાંચ પચીસ કે ચારસો કેમ નહિ ? સાહેબ, નરસિંહ ૧૨ મહિનાના ૩૦ દિવસ લેખે ૩૬૦ દિવસની વાત કરે છે.
"વડો રે ગોવાળીયો…" નરસિંહ માંહ્યલાને જગાડવાની વાત કરી રહ્યો છે. ૩૬૦ દિવસોની માયાની જંજાળ માંથી એવો ક્યો દિવસ આવશે ?
"જળ કમળ છાંડીજા ને બાળા" –
આ પ્રભાતિયામાં નરસિંહ કુંડલિની જાગરણની વાત કરે છે. આપણે ત્યાં કુંડલીની જાગરણના બે માર્ગ છે એક ચક્ર માર્ગ,અને બીજો કમળ માર્ગ. આપણા સાહિત્યકારો જળ શબ્દ સમજી શક્યા પણ કમળ શબ્દનું અર્થઘટન ન કરી શક્યા ! ચક્રને છેદવાનું હોય છે અને કમળને છાંડવાનું હોય છે. નરસિંહે એમ શા માટે ન કહ્યું કે ’જળ ગહન છાંડીજા ને બાળા’ ?
.......(ક્રમશઃ.....)