અજાણ્યું કોણ મુજથી છે ? બધાંની જાણ રાખું છું ,
ખુશીની સાથ હું કાયમ વ્યથાની જાણ રાખું છું !
ન સરનામું મને મસ્જિદ કે મંદિર તણું આપો ,
વસે છે કંઈ જગા ? ઈશ્વર - ખુદાની જાણ રાખું છું !
' મને દરકાર કોઈની નથી ! ' એ વાત ખોટી છે ,
સગા તો ઠીક હું તો પારકાની જાણ રાખું છું !
હશે મુજ પ્યાસને આભાર તારો માનવો બાકી ,
નહીંતર ક્યાં કદી, રણ - ઝાંઝવાની જાણ રાખું છું ?
કે બદલાતો યુગોથી છે જમાનો તો પળેપળ પણ ,
ન બદલે લેશ, મુજ શ્રદ્ધા - દુઆની જાણ રાખું છું !
જીવન - ઘટમાળ એક જ સરખી કોઈની રહેતી ક્યાં ?
ન હું એથી દશા કે દૂર્દશાની જાણ રાખું છું !
' સિકંદર ' રૂપ એનું દિવ્ય જાણે નૂર હો કો' સ્નિગ્ધ ,
શશીની કે સુમનની ઉપમાની જાણ રાખું છું !