માનવતા આચરણમાં મળે તો જીવન રોશનીથી ઝળહળે.
મુસીબત પારસ્પરિક કળે તો જીવન રોશનીથી ઝળહળે.
નથી કેવળ ઇશ મંદિરમાં જ બિરાજતો હરહંમેશને માટે,
કોઈનું દુઃખ આપણાંથી ટળે તો જીવન રોશનીથી ઝળહળે.
જનતામાં જ જનાર્દન વસતો બહુરુપ ધરીને સર્વવ્યાપી ,
પીડિત દેખીને ઉર ખળભળે તો જીવન રોશનીથી ઝળહળે.
સ્નેહસાંકળ બાંધીએ એક પરમ પિતાનાં સહુ સંતાનો,
દીનહીનને લગાડીએ કદી ગળે તો જીવન રોશનીથી ઝળહળે.
' વસુધૈવ કુટુમ્બકમ્ " માનીએ અવની પરના સૌ માનવીને,
સુકૃત જન્મોજન્મના સૌને ફળે તો જીવન રોશનીથી ઝળહળે.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '