હું નાની હતી ત્યારે બધા બાળકોની જેમ ચોકલેટ મને પણ અતિપ્રિય. એમાંય કેડબરીની મસ્ત એડ જોઇને ખાવાનું મન થઇ જાય. એ વખતે એટલી સમજ હતી કે એ ચોકલેટ ઘરની બાજુની દુકાન/ ગલ્લામાં નહતી મળતી, ફ્રિઝવાળી મોટી દુકાનોમાં જ મળે જે બઝારમાં હોય અને એ ખાસી મોંઘી પડે...
હું કોઈ દિવસ પપ્પા પાસે એ માંગતી નહિ, કિસ્મી કે મેલોડી ખાઈને ખુશ રહેતી. પપ્પા ઓડિટર હતા, એમને અલગ અલગ શહેરોમાં ઓડિટ કરવા જવું પડતું એ જ્યારે ઘરે પાછા ફરતા હોય ત્યારે એ ચોકલેટ લાવતા, સૌથી મોટી સાઇઝની જ લેતા જેના અમારા ત્રણ ભાઈ બહેનો વચ્ચે ભાગ પડતા... મજા આવી જતી!
આ સિલસિલો વરસો લગી ચાલેલો. હું મારી સાસરીમાં ગઈ ત્યારે પણ પપ્પા એવી જ મોટી ચોકલેટ લઈ આવેલા. ઘરમાં મારા ભાઈ બહેન બંને કહે મુન્ની તો એને સાસરે છે! તોડેલી, ખોલેલી ચોકલેટ ખરાબ થઈ જાય તમે આખી એને જ આપી દો! એ સાંજે પપ્પા મારા ઘરે, સાસરીમાં આવેલા. થોડીઘણી વાતચીતને અંતે એમણે મને એ કેડબરી ડેરી મિલ્ક આપેલી ત્યારે મારા સાસુ હસી પડેલા... એમને એમ કે વહુ હજી સાવ બાળકી જેવી છે પણ પપ્પાએ તો ધ્યાન રાખવું જોઈએ! સાસરીમાં મીઠાઈ કે ફ્રુટસ લઈને જવાય.. ખેર મારા માટે એ ચોકલેટ અમૂલ્ય હતી. કેટલી બધી લાગણી અને પ્રેમ ભરેલો હતો એમા... પપ્પા, ભાઈ, બહેન બધાનો મારા માટેનો નિસ્વાર્થ પ્રેમ..!
એ ચોકલેટના ટુકડા મેં ખૂબ ખુશ થઈને ખાધેલા... મારા જીવનની સૌથી મીઠી ચોકલેટ! એના પછી ઘરે આવેલી કોઈ ચોકલેટ હવે મીઠી નથી લાગતી...
આજે મારા બાળકો માટે ફ્રિઝમાં ચોકલેટ ભરેલી હોય છે, એમને મરજી પડે ત્યારે લઈને ખાઈ લે.. પણ મને એ કડવી લાગે છે... એમાં પપ્પાની યાદ નથી!