થોડા દિવસ પહેલા અમારી સોસાયટીમાં એક વડીલ ગુજરી ગયેલા. આસપાસના બધા લોકો એમના ઘરે બેસણામાં ગયેલા ત્યારે એક માજી કહે,
“હું તો રોજ સવારે પાંચ વાગે ઉઠી જ જાઉં. આજેય વહેલા જ ઉઠેલી તોય આવતા મોડું થઈ ગયું... ઘરનું કામ પરવારીને આવવાનું ને."
બીજા માજી : કેમ ઘરનું પરવારીને આવવાનું? વહુ પિયર ગઈ છે?
“હા.. ગઈ છે છેલ્લા છ મહિનાથી, રિસાઈને. મારેય એ પાછી જોઈતી જ નથી. એનું માંગુ આવ્યું ત્યારે જ મેં કહેલું એમનાં ગામેથી મારી એક બહેનપણીને છૂટી કરેલી એ ગામની છોકરી મારા ઘરમાં ના જોઈએ. પણ મારા છોકરાને અને એના બાપાને એ ગમી ગયેલી, ધોળી ચામડી જોઇને આ મરદ જાત લોભાઈ જાય અને લઈ આવ્યા ઘરમાં. મારું માન્યું હોત તો આ દિવસ જ ન જોવો પડ્યો હોત. આપણું કહેવું આ લોક માને નહિ અને પછી હેરાન થાય. આ મરનાર ભાઈને જ જોઈલો.. મારો દીકરો... મારો દીકરો કરતા અડધી રાત સુધી એની રાહ જોઈને જાગતા બેસી રહેતા, એને દૂધ લેવા ના જવું પડે એટલે પોતે સવારે વહેલા તૈયાર થઈને દુકાને દૂધ લેવા જતા, ચાલતા એય પાછા.. પેટ્રોલના પૈસા બચાવવા, લો શું મેળવી લીધું એમણે? સાજા સારા રાતોરાત ઉકલી ગયા. છોકરા વહું પાસે સેવા કરાવવાય ના રોકાયા. આપણું શરીર છે તે આપણે જ ધ્યાન રાખવું પડેને? આ મને જુઓ હજી બીજા દસ વરસ તો અડીખમ રહેવાની...!"
રામ જાણે મને શું સૂઝ્યું કે મારા મોઢામાંથી નીકળી ગયું, નીકળી જ ગયું હતું જાણીને નહતી બોલી,
“ભગવાન સારા માણસોને જલદી પોતાની પાસે બોલાવી લે છે!"
ચારે બાજુ અચાનક સન્નાટો છવાઈ ગયો. બધી બહેનો જે ધીમા સુરે વાતો કરતી હતી એ બધી એકસામટી ચૂપ થઈ મને જોઈ રહેલી.. મને ખુદને નવાઈ લાગી કે થયું શું? જે મેં કહ્યું એવું બધા મરનાર માણસની પાછળ કહેતા જ હોય છે. હશે જે હોય તે એમ માનીને પછી હું નીકળી ગઈ આમેય મારે મોડું થતું હતું. ઘરે જતા રસ્તામાં મને પેલા માજીનો છેલ્લી વારનો જોયેલો ચહેરો યાદ આવ્યો, એ કતરાઈને મારી સામે જોઈ રહ્યા હતા.... અને પછી ધડાધડ એક પછી એક એમના ડાયલોગ યાદ આવ્યાં... સાથે હસવું પણ આવી ગયું. તીર નિશાને થી છૂટી ગયું હતું...
આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ ?