સાઠેકડું
આજે સવારે ભરતાની વહુ નીમુડી લોટો લઈને નીકળી ત્યારે એણે કુવાથી દસ ડગલા દૂર એક મસ્ત લીલોછમ, મોટો પોદળો પડેલો જોયો. એને જોતા જ એના મનમાં ઘણાં વિચાર આવી ગયા. આ પોદળામાં થોડો લાકડાનો ભૂકો ભેળવીને છાણાં થાપુ તો નાના નાના દસ છાણાં થપાય. બે દિવસની રસોઈ બની જાય. પછી થયું કે એમના આંગણામાં હમણાં વરસાદ ગયો ત્યારનું અમુક જગાએથી લીંપણ ઉખડી ગયું છે. આવા સરસ તાજા પોદળામાં થોડી ખેતરની લાલ ચીકણી માટી ભેળવીને લીંપણ કર્યું હોય અને એમાં પાછી ત્રણ આંગળીઓથી ટપકા પાડી, ફૂટેલા માટલાના અડધા કાંઠલાથી ડિઝાઈનું પાડી હોય તો તો આહા.. હા...હા..! આંગણું કેવું દીપી ઉઠે! આખું ગામ કહેશે, “ભરતાની વહુ જેવી કોઈની વહુ નહિ! આ નીમૂડી તો જબરી કલાકાર છે!”
નીમુડી એના વિચારોમાં ખોવાઈને મનમાં જ મલકાતી પોદળાથી દસ કદમ દૂર ઊભી હતી ત્યારે જ ત્યાં ઘનશ્યામની વહુ લીલુડીએ દોડતા આવીને પોદળામાં સાઠેકડું ખોસી દીધું.
“અલી..એ..ય લીલુડી ભાળતી નહિ હું આયા ઊભી શું તે? ઇ મારો પોદળો સે. મીએ ઇ પેલ્લા જોયો સે. હું હમણાં એ લઈ જાવાનું જ કરતીતી અને તું ન્યા વસમાં ઘુસ ના માર." નીમૂડીએ એના પાતળા સોટા જેવા શરીરમાંથી શક્ય એટલું જોર લગાવી, ઊંચો અવાજ કરી કહ્યું.
“તે પેલ્લા જોયો તો, તો ન્યા... હું કામ ઊભી રહેલી? મીએ એમાં સાઠેકડું ખોસ્યું...ઇ હવે મારો સે.." લીલુડીએ ચોખ્ખું સુણાવી દીધું.
“જો લીલુડી ઇ પોદળાને જરાય હાથ લગાડ્યો તો તને માતાજીની આણ સે!”
“અને જો તીએ આંગળીએ અડાડી તો તને તારા ભરતાના હમ!”
“એક પોદળા હારું થઈને તું મને ભરતાના હમ આપે સે, હલકટ! તને કંઈ ભાન સે કે નઈ? ભાન વગરની!"
“હું ભાન વગરની તો તું લાજ વગરની સે, મારો રોયો ભરતો તો મારી હારે જ પૈણવાનો હતો અમારા મન તો નિહાળમાંથી ભાગીને હું બોર વીણવા જાતી ત્યારના મળી ગયેલા તાણ તારા બાપાએ ભરતાના ઘરે જઈને પોદળામાં સાઠેકડું ખોસી દીધેલું અન તારી વાત ઇની હારે નક્કી થઈ ગઈ. હું કેટલું રોએલી એ ટાણે..” લીલુડીનો અવાજ અત્યારેય ઢીલો થઇ ગયો. “એટલ જ મેં ગોમના હૌથી માથાભારે એવા ઘનશ્યામ જોડે વિવા કર્યાં... જે દી લાગમાં આવન એ દી તારું નખખોદ વાળવા.”
“તું હું મારું નખખોદ વાળવાની, બાજરાના ડૂંડા જેવી! તારો ડોળો હજી મારા ભરતા ઉપર સે? ઊભી રેજે, આજ તન નઈ મેલું," એણે એનો પાણી ભરેલો લોટો લીલુડી માથે છુટ્ટો ફેંક્યો. લીલુડી ત્યાંથી તો ખસી ગઈ પણ પછી એ દોડીને નીમુડીને મારવા આગળ ધપી. પચાસ કિલોની નીમૂડી અને સો કિલો એકસો પચાસ ગ્રામની લીલુડી વચ્ચે કોઈએ કદી ના જોયા હોય એવા એવા કુસ્તીના દાવ પેચ રમાવા લાગ્યા...
બરાબર આજ વખતે નૈના ત્યાંથી નીકળી અને એણે એ લીલોછમ, મોટો પોદળો જોયો, એમાં ખોસેલું સાથેકડું જોયું અને આ બેને કુસ્તી કરતાય જોયા... એણે સાઠીકડું કાઢીને દૂર ઘાસ વચ્ચે ફેંક્યું અને પોદળો ઉઠાવીને ભાગી ગઈ...?
© નિયતી કાપડિયા.