‘બોરસલ્લીની પાનખર’-લેખિકા સુધા મૂતિૅજી,ભાવાનુવાદ-સોનલ મોદી
-નિકિતાનો પ્રતિભાવ
એવું નથી કે પ્રેમ નથી
પ્રેમ તો છે
ખૂબ જ છે
અખૂટ…છે
બસ નથી તો પ્રેમની એ સુવાસ,સમજદારી અને દીવાનગી…
સાથ આપવાના,સાથે ચાલવાનાં કેટલાંય વાયદા કયૉ હતાને તે! પણ જાણેકે તને તો પાંખ મળી ગઇ હોય એમ તુ તો ઉડવાં જ લાગ્યો
અને તને ખબર છે?તારી તેજ ગતિ પકડતાં પકડતાં હું કેટલીયવાર પછડાઇ છું અને ઘવાઇ છું.
હા…હું નથી બની વિશાળ આકાશમાં ઊડી ઉંચાઇઓ હાંસલ કરવાં માટે છતાં,
એક માછલી બની તારી સાથે પંખીની જેમ ઉડવાનાં ઘણાંય પ્રયત્નો કયૉ છે મેં
પણ હવે,તને તારી ઉંચાઈ મુબારક અને મને મારી ઉંડાઇ
બસ! આવીજ કંઇક ગડમથલ ચાલતી હશે સંધ્યાનાં મનમાં
‘સંધ્યા’-બોરસલ્લીની પાનખર વાતૉની મુખ્ય નાયિકા
આ વાતૉ છે સંધ્યા અને સુનીલનાં લગ્નજીવનની
જેમાં અનંત પ્રેમની વસંત છે, અપાર લાગણીની વષૉ છે તો મૂઝૉયેલાં અહેસાસોની પાનખર પણ છે
ત્યારે પ્રેમની આ બદલાતી મૌસમોનું સાક્ષી બને છે બોરસલ્લીનું વૃક્ષ,જેની છાયામાં પ્રાંગરેલો નાનપણનો પ્રેમ લગ્નમાં પરિણમે છે અને અસલ વાતૉની શરુઆત થાય છે.
એક પછી એક સફળતાનાં વાદળો સર કરતાં સુનીલનો હાથ તેની પત્નિથી ક્યારે છૂટી જાય છે તેનો તેને અણસાર નથી રહેતો,તે સંઘ્યાને ચાહે તો છે પરંતુ તેનાં ઉંચા ખ્વાબો અને મહત્વકાંક્ષાઓ વચ્ચે તેનો પ્રેમ દબાઇ જાય છે, કયાંક ખોવાઇ જાય છે.છતાં વાતૉનો સુંદર અંત સુનીલ પ્રત્યેની શિકાયતો દૂર કરે છે.
લેખિકા સુધા મૂતિૅજી દ્વારા સરળ શબ્દોમાં લખાયેલી વાતૉનો ભાવ વાંચક સુધી પહોંચ્યો છે તેમ સંધ્યાનાં પાત્રની સંવેદના મારા સુધી પહોંચી છે.વાતૉ વાંચતાં જાણે હું પોતે સંધ્યા હોઉ એમ તેની નિખાલસતા,ઉદારતા,સરળતા અને સુંદરતાનાં વ્હેણમાં વહી છું.
આ વાતૉ વાંચીને મને સમજાયું છે કે લગ્નજીવનમાં જરુરી છે તો,
વ્યસ્ત જીંદગીમાં ક્ષણો ચોરી મહોબ્બત કરવાની,
અચાનક પ્રેમનો એકરાર કરી રોમાંચિત કરવાની
અને છૂટેલાં હાથને ફરીથી મક્કમતાથી પકડવાની
આભાર
-નિકિતા શાહ