પ્હેલે અક્ષર
પ્હેલે અક્ષર ઝાકળ ઘૂંટે બીજે અક્ષર ફુલ,
આ કેવી અદ્ભુત ચાલે છે બાળતરૂની સ્કૂલ.
બાળકની આંખોમાં જોયો ઘૂઘવતો સંવાદ,
ઍક્વેરિયમની માછલીઓને દરિયો આવ્યો યાદ.
એક આગિયો અંધારાને રોજ કરે હેરાન,
અર્ધી રાતે વટથી નીકળે લઈ સૂરજની શાન.
હવાય થંભી, થંભ્યા વાદળ થંભ્યા સહુનાં ચિત્ત,
મેઘલ મંડપ જળના મંચે ડ્રાઉં ડ્રાઉંનું ગીત.
હે વિહંગ શું લખું બીજું જે વૃક્ષપણાને છાજે?
પીંજરને પણ કૂંપળ ફૂટે એવાં ગીતો ગાજે.
કૃષ્ણ દવે