રાષ્ટ્રીયઃ છેલ્લા 77 દિવસથી ચાલતા CBI વિવાદમાં નવો વળાંક આવ્યો છે. ગુરુવારે મોડી સાંજે વડાપ્રધાનના નિવાસસ્થાને મળેલી સિલેક્શન કમિટીની બેઠકમાં બે કલાકની ચર્ચાના અંતે નિર્ણય લેવાયો હતો અને CBIના નિર્દેશક તરીકે આલોક વર્માની હકાલપટ્ટી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, હજુ બુધવારે જ સર્વોચ્ચ અદાલતે વર્માને ફરજિયાત રજા પર ઉતારવાના કેન્દ્ર સરકારના નિર્ણયની વિરુદ્ધમાં ચૂકાદો આપતાં વર્માએ પુનઃ કાર્યભાર સંભાળ્યો હતો.
ગુજરાતઃ ઓનલાઇન ઓર્ડર લઇને રેસ્ટોરાંમાંથી ફૂડ સપ્લાય કરતી સ્વિગીએ 20 ટકા જેવું માતબર કમિશન માગી પછી રેસ્ટોરાં સાથે દાદાગીરી કરતા તેને સબક શીખવવા માટે હોટેલ રેસ્ટોરાં એસોસિએશન દ્વારા ગુરુવારેથી સ્વિગીને ફૂડ સપ્લાય કરવાનું બંધ કરી દીધું છે. આ એસોસિએશન સાથે સંકળાયેલા અમદાવાદના 1500 રેસ્ટોરાંએ ગુરુવારથી સપ્લાય બંધ કર્યો છે. ત્યારે આગામી દિવસોમાં રાજ્યના અન્ય શહેરોમાં આ આંદોલન કરાશે.
ગુજરાતઃ ઉનાના કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઈ વંશ સાથે ફોન પર કોઈ અજાણ્યા શખસે પ્રાઈવેટ નંબરથી ધમકીના ટોનમાં બેફામ ગાળાગાળી કરી હોવાની ઘટના બની છે. બે દિવસ સતત ફોન કરનાર અજાણી વ્યક્તિ તેમને શારીરિક નુકસાન પહોંચાડી શકે તેવી શંકા વ્યક્ત કરતાં પૂંજાભાઈએ સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં પ્રાઈવેટ નંબર ધારક અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે.
પાકિસ્તાનઃ ભારતે પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનના એ નિવેદન સામે વળતો પ્રહાર કર્યો છે કે જેમાં તેમણે કહ્યું હતું કે ભારતે બન્ને દેશોની વચ્ચેના સંબંધોને અવરોધ્યા છે. ભારત સરકારે ઇમરાન ખાન પર વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે ઇસ્લામાબાદમાં વાતચીત માટે અનુકૂળ વાતાવરણ બનવવા માટે કોઇ પગલાં લેવામાં આવ્યા નથી. નવી દિલ્હીની સાથે જ પાકિસ્તાનને તેના આતંકવાદ સામે કહેવામાં આવતા જૂઠાણાથી ઘેર્યું છે.
ધી એક્સિડેન્ટલ પ્રાઇમ મિનીસ્ટરઃ આજથી સિનેમાઘરોમાં રજૂ થઇ રહેલી પૂર્વ પીએમ મનમોહન સિંહ આધારિત ફિલ્મ ‘ધી એક્સિડેન્ટલ પ્રાઇમ મિનીસ્ટર’ મનમોહન સિંહના મીડિયા સલાહકાર સંજય બારુના પુસ્તક પર આધારિત છે. તેમાં 2004થી 2014 દરમિયાન મનમોહન સિંહ અને પીએમઓ સાથે સંકળાયેલી દુનિયાને બતાવવામાં આવી છે. આ ફિલ્મ બનાવવાની ઇચ્છાને લઇને ખાસ કરીને ચૂંટણી આવી રહી છે ત્યારે અનેક લોકોના મનમાં સવાલો ઉઠ્યા છે. આ ફિલ્મમાં એક બાજુ મનમોહન સિંહને ‘સિંહ ઇઝ કિંગ’ બતાવવામાં આવ્યા છે તો બીજી બાજુ નબળા અને મહાભારતના ભીષ્મ પિતામહ તરીકે દર્શાવવામાં આવ્યા છે.
જેટ એરવેઝઃ ક્રેડિટ રેટિંગ ઘટાડાથી લઇને ડિફોલ્ટ સુધી પહોંચી ગયેલી જેટ એરવેઝ લિમીટેડ નાણાંની ભોગવતી હોવાથી હિસ્સા વેચાણ સાથે ટાટા ગ્રુપ સાથે વાતચીત ચલાવી રહી હોવાના અહેવાલ છે.
પ્રિમાર્કેટઃ અમેરિકન શેરબજારો સતત પાંચમા દિવસે ઓવરનાઇટ ટ્રેડમાં પોઝિટીવ રહ્યા છે અને એશિયન માર્કેટ પણ અપબીટ છે ત્યારે ભારતીય શેરબજારમાં પોઝિટીવ નોટ સાથે ખુલે તેવી સંભાવના છે. ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલે વ્યાજ દરને વધારવા માટે ફેડરલ ધીરજ રાખી શકે છે તેવો પુનરોચ્ચાર કરતા ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ 0.51 ટકા અને એસએન્ડપી 500 ઇન્ડેક્સ 0.45 ટકા વધ્યો હતો.
ઇન્ફોસિસઃ આઇટી ક્ષેત્રેની માંધાતા કંપની ઇન્ફોસિસ 2019ના ત્રીજા ક્વાર્ટરના પરિણામો આજે રજૂ કરનાર છે ત્યારે બજારની નજર તેની પર રહેશે. Q3 ગાળો મોટે ભાગે આઇટી કંપનીઓ માટે ખાસ કરીને આર્થિક ડામાડોળ સ્થિતિને નબળો રહ્યો હતો તેમજ ડિજીટલ સેગમેન્ટના વધી રહેલા વર્ચસ્વને કારણે ઇન્ફોસિસની આવક વૃદ્ધિ સ્થિર રહેવાની ધારણા છે. જોકે થયેલા સોદાએ કંપનીની વૃદ્ધિને ટેકો આપે તેવી શક્યતા છે.