રાષ્ટ્રીયઃ ગઇ કાલે મોડી સાંજ સુધી લગભગ 10 કલાકની ચર્ચામાં 29 પક્ષોના નેતાઓએ પોતાની વાત રજૂ કરી હતી. 1950માં બંધારણ લાગુ થતા સમય બન્ને ગૃહોમાં જે રીતે ખરડો પસાર થયો હતો તે રીતે 68 વર્ષ પછી સવર્ણ અનામતનું બિલ બંને ગૃહોમાં પસાર થયું હતું. પરિણામે ગૃહમાં હાજર કુલ 172 સભ્યોમાંથી બિલની તરફેણમાં 165 અને વિરુદ્ધમાં 7 મત પડ્યા હતા. બિલ પસાર થયા બાદ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે આ સામાજિક ન્યાયની જીત છે.
ગુજરાતઃ રાજ્યમાં આરોગ્યની સેવાઓ સતત કથળી રહી હોવાની વાત સામે આવી છે, ખાસ કરીને હેલ્થ સેન્ટર અને હોસ્પિટલમાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની અછતને કારણે ગરીબો અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં લોકોને સેવાઓ નહીં મળી રહી હોવાની રજૂઆત સાથે હાઇકોર્ટમાં જાહેરહિતની રિટ થઇ છે. રાજ્યમાં 1500 તબીબોની આજે પણ ઘટ છે. આ કેસમાં કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત દવે અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ખંડપીઠે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે.
અદાણીઃ રાજ્યના સૌથી મોટા બિઝનેસ હાઉસ અદાણી ગ્રુપ પાસેથી આંધ્રપ્રદેશ સરકારે રૂ. 70,000 કરોડના રોકાણનું કમિટમેંટ લઈ લીધું છે. આંધ્રપ્રદેશ સરકાર અને ગુજરાતનાં અદાણી ગ્રુપ વચ્ચે આજે વિશ્વનું પહેલું રિન્યૂએબલ એનેર્જીથી ચાલનારું ડેટા સેંટર બનાવવા માટેના કરાર કરવામાં આવ્યા છે. આ કરાર હેઠળ આગામી 20 વર્ષમાં અદાણી ગ્રુપ તેની અદાણી એન્ટરપ્રાઇઝ મારફત આગામી 20 વર્ષમાં રૂ. 70,000 કરોડનું રોકાણ કરશે અને રિન્યૂએબલ એનર્જીથી સંચાલિત 5 ગીગાવૉટની ક્ષમતાનું ડેટા સેંટર બનાવશે.
આંતરરાષ્ટ્રીયઃ દુનિયાની સૌથી શ્રીમંત વ્યક્તિ અને અમેઝોનના 54 વર્ષના ફાઉન્ડર જેફ બેઝોઝે બુધવારે પોતાની 48 વર્ષની પત્ની મેકેન્ઝી બેઝોઝ સાથે છૂટાછેડા લેવાની જાહેરાત કરી હતી. બન્નેએ 25 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. આ જાણકારી ટ્વીટર પહર શેર કરતા બન્નેએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે અમારો પરિવાર અને નજીકના મિત્રો જાણે છે કે પ્રેમથી ભરપૂર એક લાંબા ટ્રાયલ સેપરેશન બાદ અમે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે અને આગળ અમે દોસ્તની જેમ જીવન વિતાવીશું. મેકેન્ઝી અમેઝોનની ભૂતપૂર્વ કર્મચારી હતી.
રામમંદીરઃ અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયમૂર્તિની આગેવાની હેઠળ પાંચ સભ્યોની ખંડપીઠ દ્વારા આજથી સૂનાવણી થશે. અલ્લાહાબાદ હાઇકોર્ટના સપ્ટેમ્બર 2010ના ચૂકાદા સામે કરાયેલી આશરે 14 અરજીઓ પર આજે સૂનાવણી થશે.
જીએસટીઃ આજે જીએસટી કાઉન્સિલની બેઠક છે. આજની બેઠકમાં કેરળ પૂરથી અસરગ્રસ્ત લોકોના પુનઃવસવાટ માટે રાજ્ય સરકારને જીએસટી પર એક ટકા વિપત્તી સેસ લગાવવાની મંજૂરી મળી શકે છે.
ગુજરાતઃ આગામી 18-20 જાન્યુઆરી દરમિયાન યોજનારી વાઇબ્રન્ટ સંમીટમાં ભાગ લેવા આવતા અનેક વીવીઆઇપીઓના 100થી વધુ પ્રાયવેટ જેટ સરદાર વલ્લભભાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરાણ કરે તેવી શક્યતા છે એમ સરકારી સૂત્રો જણાવે છે. સાથે એ વાતને પણ સમર્થન મળ્યું હતું કે અનેક રાજ્યોના વડા અને ઉદ્યોગપતિઓ અને વિવિધ દેશોના પ્રધાનો પણ આ સંમીટમાં હાજર રહેનાર છે.
પ્રિમાર્કેટઃ છેલ્લા ચાર સત્રોથી બજારમાં ચાલતી અવિરત તેજીને લઇને નિષ્ણાતો સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે, કેમ કે ઇન્ડેક્સ રેન્જબાઉન્ડ રહેવાની શક્યતા સેવાય છે અન ત્રીજા ક્વાર્ટરના પરિણામો પર ચાંપતી નજર રહેશે. પિવોટ ચાર્ટના નુસાર નિફ્ટી મહત્ત્વના સપોર્ટ લેવલ 10,779 અને તે તોડે તો 10,704 સુધી આવી છે. જો ઇન્ડેક્સ ઉપર જાય તો પ્રથમ રેઝિસ્ટન્સ લેવલ 10,900 અને ત્યારબાદ 10,946નું લેવલ જોવા મળી શકે છે.
આંતરરાષ્ટ્રીયઃ યુરોપના આશરે 30 દેશોમાં આવેલા બરફના તોફાનમાં આશરે 13ના મોત થયા હોવાનું અને 1000થી વધુ ફ્લાઇટો રદ થયાના અહેવાલ છે.