રાષ્ટ્રીયઃ રાજ્યસભામાં હોબાળાના કારણે ત્રિપલ તલાક સાથે જોડાયેલું નવું બિલ સોમવારે ગૃહમાં રજૂ થઈ શક્યું નથી. આ પહેલાં ભાજપ અને કોંગ્રેસે વ્હિપ જાહેર કરીને તેમના સાંસદોને ગૃહમાં હાજર રહેવા કહ્યું હતું. કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ મુસ્લિમ મહિલા (વિવાહ અધિકાર સંરક્ષણ) બિલ રજૂ કરનાર હતા. આજે રાજ્યસભા શરૂ થતાં જ વિપક્ષના હોબાળાના કારણે સભા બપોરે 2 વાગ્યા સુધીમાં સ્થગિત કરી દેવામાં આવી હતી. અંતે વિપક્ષે બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવાની માંગણી કરી હતી. અંતે વિપક્ષના અતિશય હોબાળા પછી રાજ્યસભા 2 જાન્યુઆરી સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
બેન્કિંગઃ ગત સપ્ટેમ્બરમાં રિઝર્વ બેન્કે જાહેર કરેલ સુચના મુજબ 31 ડિસેમ્બરની મધરાત સુધીમાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડ બદલાઈ રહ્યા છે. મોટાભાગની બેન્કો દ્વારા અત્યાર સુધી વપરાશમાં લેવાતાં કાર્ડમાં બ્લેક કલરની મેગ્નેટિક સ્ટ્રિપના ડિકોડિંગ વડે ટ્રાન્જેક્શન થતા હતા. હવે એ કાર્ડ રદ કરી દેવામાં આવ્યા છે અને તેના સ્થાને મોબાઈલના સિમકાર્ડ જેવી EMV ચિપ ફરજિયાત થઈ રહી છે. SBI સહિત દરેક બેન્કોએ પોતાના કસ્ટમરને નવા કાર્ડ ઈસ્યુ કરી દીધા છે. પરંતુ હજુ પણ અડધો-અડધ કાર્ડ એક્ટિવેટ થયા નથી.
તેલગીકાંડઃ મોતનાં એક વર્ષ પછી 20 હજાર કરોડ રૂપિયાનાં સ્ટેમ્પ પેપર ગોટાળામાં દોષી જાહેર કરાયેલા અબ્દુલ કરીમ તેલગીને આ કેસમાંથી મુક્ત કરાયો છે. મહારાષ્ટ્રનાં જાણીતા કૌભાંડમાં અન્ય 8 લોકોને પણ છોડી મુકાયા છે. નાસિકની એક કોર્ટમાં પુરાવા ન હોવાને કારણે તમામ આરોપીઓને મુક્ત કરાયા છે. આ ઉપરાંત મોત બાદ તેલગી પરથી આ કૌભાંડનો આરોપ પણ હટાવી લેવાયો છે. સ્ટેમ્પ પેપરમાં છેતરપિંડી કરવાના આરોપસર તેલગી 30 વર્ષની સશ્રમ કારાવાસની સજા બેગલુરુનાં પારાપ્પાના અગ્રહારા સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહ્યો હતો. આ ઉપરાંત તેને 202 કરોડનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
ગુજરાતઃ ભરૂચના દયાદરા ગામ નજીક રોંગ સાઇડે ધસી આવેલી મીની લકઝરી બસે બાઇકને અડફેટમાં લેતાં માતા- પિતા અને પુત્ર એમ 3 લોકોના મોત થયાં છે. અકસ્માતમાં ઘવાયેલો અન્ય પુત્ર ભરૂચની પટેલ વેલફેરમાં સારવાર હેઠળ છે.
આંતંકવાદીઓની કતલઃ ભારતીય સેનાના નૌગા સેકટરમાં નિયત્રણ રેખા (એલઓસી)ની પાસે પાકિસ્તાનની બોર્ડર એકશન ટીમની ઘૂસણખોરીની કોશિષ નિષ્ફળ બનાવી દેવામાં આવી છે. જોકે આ ઘટના ગઇકાલની છે. આ ઘૂસણખોરો નિયંત્રણ રેખા પાર કરીને ભારતમાં મોટા હૂમલાઓ કરવાની ફિરાકમાં હોવાનું જાણવા મળ્યુ છે.
ઘર સબસિડીઃ ઘર ખરીદવાનું વિચારી રહેલા લોકો માટે સારા સમાચાર છે. રૂ. 6 લાખથી 18 લાખ વાર્ષિક કમાણી ધરાવતા લોકો જો પહેલી વાર ઘર ખરીદવા માગતા હોય તો માર્ચ 2020 સુધી હોમ લોનમાં સબસિડી યોજના હેઠળ અરજી કરી શકે છે. હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ બાબતોના પ્રધાન હરદીપસિંહ પુરીએ સોમવારે આ જાહેરાત કરી હતી. અત્યાર સુધીમાં એક લાખ લોકોને તેનો ફાયદો મળ્યો છે.
કોર ઇન્ડસ્ટ્રીઝ વૃદ્ધિઃ આઠ અગત્યના ક્ષેત્રોની વૃદ્ધિ છેલ્લા 16 મહિનામાં 3.5 ટકાના સૌથી ધીમા દરે થઇ છે, તેના માટે ક્રૂડ ઓઇલ અને ફર્ટિલાઇઝર્સના ઉત્પાદનમાં થયેલો ઘટાડો જવાબદાર છે. અગાઉ 2017માં અગત્યના ઉદ્યોગની વૃદ્ધિ જુલાઇ 2017માં 2.9 ટકાની નોંધાઇ હતી.
માર્કેટઃ વર્ષ 2018ના છેલ્લા દિવસે માર્કેટ ફ્લેટ બંધ આવ્યું હતું. એસએન્ડપી બીએસઇ સેન્સેક્સ ફક્ત 8 પોઇન્ટ નરમ 36,068 પોઇન્ટ અને નિફ્ટી50 ફક્ત 3 પોઇન્ટ વધીને 10,863ના મથાળે બંધ આવી હતી. કોમોડિટીમાં જોઇએ તો 18.50 કલાકે એમસીએક્સ પર ક્રૂડ ઓઇલ 1.98 ટકા સુધીને 3248, નિકલ 0.52 ટકા ઘટીને 747.1, ઝિંક 0.35 ટકા સુધરીને 172.55 અને લેડ 1.33 ટકા નીચે 141.4ની આસપાસ હાલમાં ચાલે છે.