રાષ્ટ્રીયઃ પહેલાં ભારતીય ગગનયાન માનવ મિશન માટે મંત્રીમંડળે 10 હજાર કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે આ અભિયાન અંતર્ગત 3 એસ્ટ્રોનોટને 7 દિવસ સુધી અંતરિક્ષમાં મોકલવામાં આવશે. આ પહેલાં 1984માં રાકેશ શર્મા અંતરિક્ષ યાત્રા કરનાર પહેલાં ભારતીય હતા, પરંતુ તે રશિયાનું મિશન હતું. વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતા દિવસ પર આ અભિયાનની જાહેરાત કરી હતી. તેઓએ કહ્યું હતું કે 2022માં આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ભારત અંતરિક્ષમાં માનવ મિશનની સાથે ગગનયાન મોકલશે.
રાષ્ટ્રીયઃ શુક્રવારે કેબિનેટ મીટિંગમાં ઘણાં મહત્વના નિર્ણયોની માહિતી આપતા કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, બાળકોને યૌન શોષણ તથા હુમલાથી બચાવવા માટે પોક્સો એક્ટની સજાની અવધિ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોદી સરકારે ગુરુવારે પોક્સોમાં સંશોધન કરવાનો નિર્ણય લીધો છે. તે માટે બાળકોને સેક્સ્યુઅલ હુમલાથી બચાવવા માટે ઘણી કલમમાં ફેરફાર કરવાની વાત કરવામાં આવી છે. તેમાં દંડની અવધિ પણ વધારવામાં આવશે. મોદી સરકારે ગુરુવારે પોક્સોમાં સંશોધન કરવાનો નિર્ણય કર્યો છે તે ઉપરાંત કાયદાને વધુ કડક કરીને તેમાં મૃત્યુદંડ સુધીને સજાને પણ મંજૂરી આપવામાં આવી છે.
ગુજરાતઃ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સંયુક્ત સચિવ રહી ચૂકેલા અને પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક સચિવ અનિલ પટેલને સસ્પેન્ડ કર્યા છે. અનિલ પટેલને યાત્રાધામ બોર્ડમાં ચાલતા ભ્રષ્ટાચારને આરટીઆઈ એક્ટિવિસ્ટ સાથેની વાતચીતમાં ખુલ્લો પાડવાને લઈ ફરજ મોકુફ કર્યા છે...
શિલોંગઃ જયંતી હિલ્સ જિલ્લામાં 15 મજૂરો ગેરકાયદે ખાણમાં 15 દિવસથી ફસાયેલા છે. ખાણમાં પાણી ભરાઈ ગયું છે. તે માટે વાયુસેનાનું એક વિમાન શુક્રવારે 20 હાઈપાવર પંપ લઈને રવાના થયા છે. તે સિવાય ઓરિસ્સાની ફાયર સર્વિસ ટીમના 20 સભ્યો પણ બચાવ અભિયાન માટે રવાના થયા છે.
ડ્રગ્સઃ મહારાષ્ટ્ર પોલીસના એન્ટી નાર્કોટિક્સ સેલે બુધવારે વાકોલા વિસ્તારથી ફેંટાનીલ નામની એક પ્રતિબ્ધિત ડ્રગ્સ સાથે ચારની ધરપકડ કરી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત આશરે રૂ. 1,0000 કરોડ બતાવવામાં આવે છે. ફેંટાનીલ એટલી ખતરનાક છે કે તેની માત્ર 0.002 ગ્રામ ( 2 મિલીગ્રામ) માત્રા જ લેવાથી કોઇનું પણ મૃત્યુ થઇ શકે છે. અહેવાલ અનુસાર આ સમગ્ર જથ્થો મેક્સિકો મોકલવામાં આવનાર હતો.
ચેનલ્સ સિલેક્શનઃ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (ટ્રાઇ)એ થોડા સમય પહેલા જ કેબલ ટીવીમાં નવી ટેરિફ સિસ્ટમને લાગુ કરવાનો આદેશ આપ્યો હતો, ટ્રાઇએ દરેક એમએસઓ અને એલસીઓને પહેલા 29 ડીસેમ્બર સુધી નવી ટેરિફ સિસ્ટમ લાગુ કરવાનો આદેશ આપ્યો હતો, જે સમયસીમાં વધારીને 31 જાન્યુઆરી કરવામાં આવી છે. ગ્રાહકો હવે 31 જાન્યુઆરી સુધીમાં પોતાની પસંદગીની ચેનલો અલગ તારવી શકશે.
PNB ફ્રોડઃ સરકારની માલિકીની પંજાબ નેશનલ બેન્કમાં મોટા પાયે થયેલી છેતરપીંડીને કારણે ડાયમંડ કંપનીઓને આપવામાં આવેલી લોન અને ગેરંટી દ્વારા બેન્કોને આશરે 3 અબજ ડોલરનું નુકસાન થવાની સંભાવના છે એમ આવકવેરા વિભાગ જણાવે છે. માર્ચ 2017ના રોજ બેન્કોએ અબજોપતિ નિરવ મોદી અને તેના કાકા મેહુલ ચોકસીની કંપનીઓ સાથે સંકળાયેલી કંપનીઓને રૂ. 176.32 અબજ (2.74 અબજ ડોલર)ની લોન અને ગેરંટીઓ આપી હતી.
સેન્સેક્સઃ મજબૂત વૈશ્વિક સંકેતો અને નાણાંકીય અને ફાર્મા કાઉન્ટર્સમાં ભારે લેવાલીને પગપલે શુક્રવારે સતત ત્રીજા સત્રમાં નિર્દેશાંકો વધીને બંધ આવ્યા હતા અને સેન્સેક્સ 36,000ના મથાળે છલંગ લગાવી હતી. એસએન્ડપી બીએસઇ સેન્સેક્સ 269 પોઇન્ટ વધીને 36,077ના મથાળે, તેમજ નિફ્ટી 80 પોઇન્ટ વધીને 10,860ના મથાળે બંધ આવી હતી.