દેશનો સૌથી મોટો બ્રિજઃ આજે એટલે કે 25 ડીસેમ્બરના રોજ બ્રહ્મપુત્ર નદી પર બનેલા દેશના સૌથી લાંબા રેલ કમ રોડ બ્રિજનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરનાર છે. આ પુલને કારણે અરૂણાચલ પ્રદેશ અને ચીનની સીમા તેમજ અન્ય પ્રદેશમાં હેરફેર સરળ થઇ જશે. આ પુલની આધારશિલા 1997માં તત્કાલિન વડાપ્રધાન એચડી દેવેગૌડાએ રાખી હતી. જોકે તેનું બાંધકામ કાર્ય 2002માં અટલ સરકારે શરૂ કર્યું હતું. આ પુલને ચીનની સાથે સ્પર્શતી સીમા પર સુરક્ષાને લગતી સામગ્રીની હેરફેર માટે મોટું પ્રોત્સાહન માનવામાં આવે છે. આ પુલની લંબાઇ 4.94 કિમી છે. આ પુલ આસામાના ડિબૂગઢને ઢેમાચી સાથે જોડશે.
સ્થાનિકઃ રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી એઇમ્સ મેળવવા અંગે ઝૂંબેશ ચાલતી હતી. તેમજ સૌરાષ્ટ્ર કચ્છના વેપારી મંડળોએ પણ અનેક ઠરાવો પસાર કરીને પોતાની માગ કરતા વડાપ્રધાનને એઇમ્સ ફાળવવા માગ કરી હતી. આખરે કેન્દ્ર સરકારે રાજકોટની ભાગોળે ખંઢેરીમાં એઇમ્સને મંજૂરી આપી દીધી છે અને તેની વિધિવત્ જાહેરાત થોડા દિવસોમાં થાય તેવી ધારણા સેવાઇ રહી છે. આનાથી સૌરાષ્ટ્ર કચ્છના દર્દીઓને અદ્યતન સારવાર ઘર આંગણે ઉપલબ્ધ બનશે અને અમદાવાદ કે મુંબઇ સુધીના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે.
રાજકીયઃ રાફેલ ડીલ અંગે વિપક્ષના હુમલાઓનો સામનો કરી રહેલી મોદી સરકારને હવે સાથી પક્ષોએ પણ નિશાન પર લીધી છે. ભાજપના બળવાખોરો યશવંત સિંહા અને અરુણ શૌરી બાદ હવે એનડીએના સાથી પક્ષ શિવસેનાએ પણ રાફેલ ડીલ અંગે મોદી સરકાર પર હુમલો કર્યો છે. મહારાષ્ટ્રના પંઢરપુરમાં એક રેલી દરમિયાન શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મોદી સરકાર હથિયારો અને દારૂગોળાની ખરીદીમાં કૌભાંડ કરી રહી છે, પરંતુ સૈનિકોનો પગાર વધારી નથી રહી. રાફેલ મુદ્દે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની બોલી બોલતાં ઉદ્ધવ ઠાકરેએ પણ કહ્યું, ‘ચોકીદાર ચોર છે.’
રાષ્ટ્રીયઃ અયોધ્યા વિવાદ અંગે સુપ્રીમકોર્ટમાં 4 જાન્યુઆરીએ સુનાવણી થશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ અને જસ્ટિસ એસ. કૌલની બેન્ચ સામે આ કેસ લિસ્ટ કરવામાં આવ્યો છે. બેન્ચ મામલા સાથે સંકળાયેલી વિવિધ અરજીઓની સુનાવણી માટે ત્રણ જજની એક અલગ બેન્ચ રચશે. નોંધનીય છે કે અલ્હાબાદ હાઇકોર્ટે અયોધ્યાની વિવાદિત 2.77 એક જમીન રામલલ્લા, નિર્મોહી અખાડા અને સુન્ની વકફ બોર્ડ વચ્ચે વહેંચવાનો ચુકાદો સંભળાવ્યો હતો. જેની સામે આશરે 14 અરજીઓ દાખલ કરવામાં આવી છે.
માર્કેટઃ આર્થિક મંદી માર્કેટને વિકૃત કરી નાખશે તેવા ભયને કારણે છેલ્લા સત્રમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સોમવારે છ ટકાથી વધુનો ઘટાડો થયો હતો. યુએસ ક્રૂડ ફ્યુચર્સ અને ગ્લોબલ બેન્ચમાર્ક બ્રેન્ડ સત્ર દરમિયાન 2017થી અત્યાર સુધીના સૌથી નીચા મથાળે સ્પર્શી ગયા હતા. અને અંતે બન્ને બેન્ચમાર્કને ચતુર્થ ક્વાર્ટરમાં 40 ટકાના ઘટાડા પર લાવીને મુકી દીધા હતા. દરમિયાનમાં આજે બીએસઇ અને એનએસઇ ક્રિસ્ટમસને કારણે બંધ છે.
રાષ્ટ્રીયઃ રાજસ્થાન અને એનસીઆરમાં સતત ત્રીજા દિવસે ખરાબ આબોહવાએ ‘કટોકટી’ની સ્થિતિ પેદા કરી છે. પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે બનેલી કમિટી ઇપીસીએએ બુધવાર સુધી દિલ્હી એનસીઆરમાં કંસ્ટ્રક્શન પર પ્રતિબંધ મુકી દીધો છે. વઝીરપુર, મુંડકા, સાહિબાબાદ, ફરીદાબાદ જેવા વિસ્તારામં બે દિવસ ઉદ્યોગોને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
સ્થાનિકઃ શહેરના બોડકદેવ વિસ્તારમાં થયેલા હિટ એન્ડ રન કેસના આરોપી વિસ્મય શાહની જામીનની શરતોમાં સુધારો કરવા માટે ગુજરાત હાઇકોર્ટે ઇન્કાર કર્યો છે. હનીમૂન માટે વિદેશ જવા માટે વિસ્મય શાહે જામીનની શરતોમાં સુધારો કરવા માટે હંગામી જામીન આપવા હાઈકોર્ટમાં અરજી કરી હતી હરવા-ફરવા અને જોવાલાયક સ્થળો ભારતમાં પણ ઘણા છે તે માટે વિદેશ જવા માટેની છૂટ આપવાની જરૂરિયાત નથી તેવું હાઈકોર્ટે અવલોકન કર્યું હતું..