શ્રીમદ ભગવતગીતાને સમજવા કૈંક કરવું પડશે.
છીએ કર્મયોગી તો કર્મપાથેય સંગાથે ભરવું પડશે.
યોગેશ્વરને સોંપી છે જીવનધુરા આપણે પછી તો,
સફળતા પામવા કાજે સતત પથપર ઝઝૂમવું પડશે.
ખુદ ગીતાનો ગાનાર હોય સારથિ પછી શી ફિકર ?
પરિણામનો નથી અધિકાર કર્મમાં સતત ટકવું પડશે.
ન શોભે સૂર નિરાશાના કે ન પાલવે નાહિંમત થવાનું,
હરપળ હોય કૃષ્ણહારે એ સૂત્ર ઉરમાં ધરવું પડશે.
ન એળે જાય કદી કર્મ કદીએ ફળ આપીને વિરમતું,
ગીતાજ્ઞાન ઉરે ધરીને કર્મયોગી જીવન જીવવું પડશે.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '