જયપુરઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2019 માટે જયપુરમાં ખેલાડીઓની હરાજી આ લખાય છે ત્યારે પણ ચાલુ જ છે. ત્રીજા રાઉન્ડમાં વરૂણ ચક્રવર્તી 8.4 કરોડ રૂપિયામાં વેચાયો, જેને કિંગ્સ ઈલેવન પંજાબે ખરીદ્યો. તે અનકેપ્ડ ખેલાડી હતો અને તેની બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયા હતી. આટલી જ કિંમતમાં બીજા રાઉન્ડમાં સૌથી પહેલાં જયદેવ ઉનડકટ વેચાયો છે. તે અત્યાર સુધીના સૌથી મોંધો ખેલાડી છે. રાજસ્થાન રોયલ્સે તેને રૂ. 8.4 કરોડમાં ખરીદ્યો છે. બીજા રાઉન્ડ સુધી 15 ખેલાડીઓ વેચાયા હતા. જેમાંથી 6 વિદેશી હતા.
કોર્પોરેટઃ મુંબઈની સ્થાનિક કોર્ટે ટાટા સન્સના પૂર્વ ચેરમેન રતન ટાટાની વિરુદ્ધ માનહાનીના કેસમાં નોટીસ ઈસ્યુ કરી છે. વાડિયા ગ્રુપના ચેરમેન નુસ્લી વાડિયાએ રતન ટાટાની વિરુદ્ધ ફરિયાદ કરી હતી. આ મામલામાં ટાટા સન્સના હાલના ચેરમેન એન ચંદ્રશેખરન અને ગ્રુપના સીઓઓ સહિત 8 ડાયરેક્ટરો વિરુદ્ધ નોટીસ ઈસ્યુ કરવામાં આવી છે. કોર્ટે શનિવારે આ નોટીસ પાઠવી હતી. આ કેસની વધુ સુનાવણી 25 માર્ચે થશે. વાડિયા પર સાયરસ મિસ્ત્રી સાથે મિલીભગત કરવાનો આરોપ લાગ્યો હતો.
ગુજરાતઃ સાવકુંડલામા બોરાળા ગામના ફાટક પાસે આજે વહેલી સવારે માલગાડીની હડફેટે ત્રણ સિંહના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. સિંહના શરીરના કટકે કટકા થઇ ગયા હતા. એક સિંહનું માથુ અને ધડ અલગ અલગ રેલવે ટ્રેક પર વિખેરાયેલા પડ્યા હતા. ઘટનાને પગલે વન વિભાગનો મોટો કાફલો દોડી ગયો હતો અને મૃતદેહોને કબ્જે કર્યા હતા. અહેવાલ મુજબ આ બનાવ ગઇકાલે રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ બન્યો હતો. રાત્રે છ સિંહ રેલવે ટ્રેક લટાર મારતા હતા.
માર્કેટઃ વૈશ્વિક બજારોમાં વેચવાલી અને રાજ્ય વિધાનસભાના પરિણામો અંગેની અનિશ્ચિતતા બજારમાં છવાયેલી રહેલા આજે સેન્સેક્સમાં 2 ટકાનું ગાબડુ પડ્યું હતું. એસએન્ડપીબીએસઇ સેન્સેક્સ 714 પોઇન્ટ ઘટીને 34,960ના સ્તરે બંધ આવ્યો હતો. જ્યારે નિફ્ટી-50 205 પોઇન્ટ ઘટીને 10,488 પોઇન્ટના મથાળે બંધ આવ્યો હતો. એક્સિસ બેનક, પંજાબ નેશનલ બેન્ક અને આઇસીઆઇસીઆઇ બેન્કની આગેવાની હેઠળ બેન્ક નિફ્ટી 1.9 ટકા ઘટી હતી. જ્યારે ઇન્ફિબીમ એવન્યુઝ, ઇન્ફોસિઝ અને ટીસીએસની આગેવાની હેઠળ નિફ્ટી આટી ઇન્ડેક્સ 1.7 ટકા ઘટ્યો હતો.
રાષ્ટ્રીયઃ દેશભરમાં એક સમાન કર એવા જીએસટીમાં વધુ સરળીકરણનો સંકેત આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તેમની સરકાર 99 ટકા ચીજો પર 18 ટકાથી નીચે કર લાગે તેવી કવાયત કરી રહી છે. જીએસટીના અમલીકરણ પહેલા રજીસ્ટર્ડ એન્ટરપ્રાઇસની સંખ્યા 65 લાખ હતી, જેમાં વધુ 55 લાખનો વધારો થયો છે એમ તેમણે રિપ્લબ્કિ સંમિટને સંબોધતા જણાવ્યું હતું. આજે મોટા પાયે જીએસટી સિસ્ટમ અમલી બની ગઇ છે.
કન્વેયન્સઃ ઓલાના ટેકા વાળી ભારતીય સવારી ડોમેસ્ટિક સ્કુટર શેરીંગ સ્ટાર્ટ-અપ વોગોમાં 100 મિલીયન ડોલરનું રોકાણ કરશે અને કંપની દ્વારા ઓફર કરવામાં આવતા ટુ વ્હીલરના કાફલામાં વધારો કરશે. ઉલ્લેખનીય છે કે વોગો હાલમાં દક્ષિણ ભારતમાં બેંગાલુરુ અને હૈદરાબાદ ખાતે સેવા પૂરી પાડી રહી છે. અત્યાર સુધીમાં 100,000 યૂઝર્સે 20 મિલીયન કિલોમીટર્સની મુસાફરી કરી હોવાનું મનાય છે.
રાષ્ટ્રીયઃ જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ રામ મંદીરનો મુદ્દો ગરમી પકડી રહ્યો છે. ભાજપની સંસદીય દળની બેઠકમાં મંગળવારે રામ મંદીરનો મુદ્દો ઉઠ્યો હતો. કેટલાક સાસદોએ રામ મંદીર ક્યારે બનશે તેવો સવાલ ઉઠાવ્યો હતો. સામે રાજનાથ સિંહે જવાબ આપ્યો હતો કે દરેક વ્યક્તિ આવું ઇચ્છે છે, પરંતુ ધીરજ રાખો. ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહની ગેરહાજરી હતી.