સ્નેહસુધા વર્તને વસી જાય તો મન મંદિર બની જાય.
ષડરિપુની વિદાય થઈ જાય તો મન મંદિર બની જાય.
નેહ વરસે નયનથીને સર્વમાં સ્વજનની લાગણી થાય,
દીનહીનને દેખીને દિલ દૂભાય તો મન મંદિર બની જાય.
જનેજનમાં જનાર્દન દીસેને માનવમાં માધવ પરખાય,
કોઈના દુઃખ હરવા દોડી જાય તો મન મંદિર બની જાય.
વૃક્ષમાં જેને વિભુ ભાસેને વાવી ઉછેરીને જે હરખાય,
વૃક્ષછેદને જેનું અંતર વલોવાય તો મન મંદિર બની જાય.
માતપિતાની સેવા કરતાં જન્મારો સફળ થયો ગણાય,
તેનાં દર્શન કરતાં હરિ રાજી થાય તો મન મંદિર બની જાય.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '