એ કૃષ્ણ, એ સારથિ,
એ ચાલ્યા કરતો રથ!
એ સચવાઈ રહેલો શંખ,
અને વિખૂટી પડી ગયેલી વાંસળી..
ઝીણું ઝીણું ડગમગ્યા કરતો પેલો ગોવર્ધન,
અને સ્વભાવ વિરુદ્ધ સ્થિર થઈ ગયેલી યમુના..!
રાધાની કોરી-કટ્ટ આંખો અને,
રુક્મિણી- સત્યભામાનાં સંવાદો!
ગોકુળની ગલીઓમાં ખોવાઈ ગયેલી ગોપીઓ,
અને ક્યાંય ન મળતા એ ગમતીલા ગોવાળો!
ઝીણી રેતી, આકરા પડાવો અને ગીચ જંગલો વચ્ચે,
કૃષ્ણ હજીયે એકલો છે એવું કેમ લાગ્યા કરે છે?
જરાએ મારેલું એ તીર,
હજીયે કૃષ્ણને તાર-તાર કરી રહ્યું છે!
દ્રૌપદીનો એ મિત્ર, કેટલીયે સદીઓથી જાણે અનંતની સફરે એકલો વિચરી રહ્યો છે.
એ ચાલ્યા કરતા રથને રોકીને,
મારે એમાંથી કશુંક વિણવું છે!
હા, મારે કૃષ્ણનો સારથિ થવું છે!
~by.... Brinda Thakkar