મને વારંવાર યાદ આવતું શૈશવ મારું.
મન શિશુપનને મમળાવતું શૈશવ મારું.
નિર્દોષ અને નિખાલસતા કેવી હતી એ!
રમતગમતમાં કેવું ગમતું શૈશવ મારું.
વાતવાતમાં રીસાવુંને નારાજ થઈ જાવું,
ભાગ પામીને મન રીઝતું શૈશવ મારું.
પામવા પ્રસાદ કેવી પડાપડી સૌ કરતા,
ખુદ મંદિર રખેને હરખતું શૈશવ મારું.
કરી ધીંગામસ્તી ધમાલ શોરબકોરને,
આંગણું અમને દેખી જીવતું શૈશવ મારું.
ન્હોતી દુનિયાદારી, સ્વાર્થ કે પ્રપંચ કદી,
વઢે વડિલને તો મુખ ઉતરતું શૈશવ મારું.
અણગમતો અધ્યાય શાળા ભણાવતી,
મન તો સદાય મિત્રોમાં રમતું શૈશવ મારું.
યુવાનીને આ વાર્ધક્ય ના એની તોલે આવે,
અંતર બાળપણ પુનઃ ઝંખતું શૈશવ મારું.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.