કાલે સાંજે શાક લેવા ગયી તો એક દૃશ્ય જોયું...
હું શાક લેતી હતી અને બાજુમાંથી પસ્તિવાળા ની લારી પસાર થઈ. એની લારી માં પ્લાસ્ટિક ની એક ખુરશી હતી, જુની અને થોડા તૂટેલા હાથવાળી. શાકવાળા ના પુછવા પર પસ્તીવાળા એ 70 રૂપિયા કીધા અને આગળ વધી ગયો. શાકવાળો એની પાછળ ગયો અને ભાવતાલ કરી ને 50 રૂપિયામાં ખુરશી ખરીદી લાવ્યો....
હાથમાં એ કામચલાઉ ખુરશી અને ચેહરા પર ખુશી ચમક લઈને જ્યારે એ આવ્યો ત્યારે આજુબાજુ ની લારીવાળા મિત્રો તરત જ હરખ ની લાગણી સાથે ભેગા થઇ ગયા...બધા એ ને અભિનંદન આપતા હતા અને ખુરશી પર એ જે રાજવી ઠાઠ થી બેઠો એ જોઈ ને તો હું તો બે ઘડી વિચારતા જ થઈ ગઈ કે એક જૂની પુરાણી વસ્તુ માટે પણ આટલી ખુશી અને આ સંતોષ...!!!
એક પ્રશ્ન મન માં રમતો થઈ ગયો...શું આપણી જિંદગીમાં આ ખુશી અને સંતોષની આ જાહોજલાલી છે ??? હજી વધારે ની લ્હાય માં આપણે આ નાની નાની વાતમાંથી ખુશી મેળવવાનું જ ચૂકી જઇએ છે કદાચ...કોઈ વાત નો સંતોષ જ નથી રહ્યો જાણે...વર્તમાન ની ખુશી ને ભૂલી ને ભવિષ્ય ની ચિંતામાં જ રચ્યાપચ્યા રહેવું એ આપણો સ્વભાવ જ બની ગયો છે કે શું ???
આ બધા પ્રશ્નો અને એના જવાબો બંને ત્યાંજ છોડી ને મનમાં દિવાળી ના બાકી રહેલા કામ ની યાદી બનાવવા એ જ ઘરેડમાં હું ઘરે પાછી ફરી...!!!