સ્ત્રી નો અંતરનાદ
ઊડવું હતું મારે પણ !
આ અનંત આકાશ માં,
આકર્ષક પંખી બની ને.....
પણ મારી પાંખો જ ના વિકસવા દીધી...!!
વિહરવું હતું મારે પણ !
મુક્તપણે આમ તેમ,
મંદ પવન બની ને.....
પણ બંધ દરવાજા એ મને રોકી લીધી...!!
વહેવું હતું મારે પણ !
અલ્લડતાથી ઉછળ કૂદ કરતા,
મીઠા જળ ની નદી બની ને.....
પણ સાગર માં ભળીને અસ્તિત્વ ઓગાળવું પડ્યું...!!
મહેકવું હતું મારે પણ બાગમાં !
વહેતા પવન સાથે,
સુંદર રંગબેરંગી ફૂલ બની ને...
પણ ભગવાન ના શીરે ચડવું પડ્યું...!!
ઉન્મુત્ત જ રહેવું હતું મારે આ વિશ્વમાં !
ગર્વિષ્ઠ પર્વત સરીખું,
પ્રાણવાયુ આપતા વૃક્ષ બની ને....
પણ નમણી વેલ બની ને ઝૂકવું પડ્યું...!!