એક શેઠને ત્યાં એક નોકર કામ કરે. દુકાને કોઇપણ વ્યક્તિ આવે એટલે શેઠ બડાઇ ફૂંકે કે મારો નોકર સાવ ડોબો છે. હું ન હોઉ તો આખો ધંધો પડી ભાંગે. લોકો પુરાવો માગે એટલે શેઠ એક નુસખો અજમાવે. શેઠ એક હાથમાં એક રૂપિયો રાખે અને બીજા હાથમાં બે પાવલી રાખે.
નોકરને રાડ પાડીને બોલાવે અને કહે કે આ બેમાંથી તારે જે જોઇએ એ લઇ લે. નોકર હંમેશાં બે પાવલી લઇ લ્યે. શેઠ કહે, જુઓ કેવો ડોબો છે! બે સિક્કા જોઇને ઉપાડી લ્યે છે. તેને એટલી અક્કલ નથી કે આ એક સિક્કાની કિંમત પેલા બે સિક્કા કરતાં વધારે છે. ગ્રાહકો માની લ્યે કે શેઠનો નોકર ખરેખર બુદ્ધિનો બળદ છે.
એક વખત એક ગ્રાહકે નોકર પાસે જઇને તેને સમજાવ્યું કે તું રોજ મૂરખ બને છે. આ વાત સાંભળીને ખડખડાટ હસતાં નોકરે કહ્યું કે, હું મૂરખ નથી, પણ જે દિવસે હું રૂપિયો ઉપાડીશને એ દિવસથી આ ખેલ બંધ થઇ જશે. મને બે પાવલી પણ નહીં મળે. શેઠને થશે કે નોકર તો બુદ્ધિવાળો છે, હવે આ ખેલ ન કરાય. શેઠ ભલેને નાટક કરે, મને તો રોજ બે પાવલી મળે છે ને!
હવે તમે કહો જોઇએ કે આ બેમાંથી કોણ ચાલાક નથી? ચાલાકી વાપરવા જાવ ત્યારે સામેથી પણ ચાલાકી જ મળે છે. પોતાને ચાલાક સમજીને અંતે માણસ મૂરખ જ બનતો હોય છે.