એકલતા.
પ્રકૃતીએ એકલતાનું સર્જન કર્યું જ નથી. એકલતા માનવ સર્જીત છે. પુરુષને સ્ત્રીનો સાથ ગમે છે તો સ્ત્રીને પુરુષનો, ફૂલોને પર્ણોનો, નદીને સમુદ્રનો, પર્વતોને વહેતા ઝરણાઓનો ……આમ પ્રકૃતિમાં દરેકને કોઈ ને કોઈના સાથ અને સંગાથની જરૂર છે જેને કારણે તે પ્રકૃતિમાં એકલા નથી હોતાં. પોઝિટિવ દૃષ્ટિએ જોઈએ એમની એ વાત સાચી છે પણ એ વાત કેવળ પ્રકૃતિ સુધી જ રહી જાય છે, કારણ કે જ્યારે સાંસારિક રીતે એ સમયમાંથી પસાર થવાનું આવે છે ત્યારે ખબર પડે છે કે કોણ આપણું અને કોણ પરાયું છે.
સમાજમાં સ્ત્રી એકલી રહી જીવન જીવી શકે છે જ્યારે પુરુષ એકલો જીવી શકતો નથી. મરણ પથારી એ છેલ્લા શ્વાસ લેતી સ્ત્રી તેના પતિને કહેશે કે " આ છોકરાંઓને સાચવવા તમે મારા મૃત્યુ બાદ તમે બીજા લગ્ન કરી લેજો." જ્યારે કોઈ પુરુષે તેની પત્નીને આવી વાત કહિ હોય તેવું હજુ સુધી તો સાંભળવામાં નથી આવ્યું. એકલતાની આ વાત જો કોઈને ખાસ કરીને લાગુ પડતી હોય તો તે આપણાં ભારતીય સમાજની વિધવા બહેનોને છે.
જો કે દરેક સમાજમાં વિધવાઓની જે હાલત છે તે અત્યંત દયનીય છે. પતિનાં મૃત્યુ બાદનો સમય બતાવે છે કે જે તે સ્ત્રીની તેના પરિવારમાં શું કિંમત છે. જે પતિથી સંતાનોની ભેંટ મળી છે તે જ સંતાનોને ઉછેરી મોટા કરી ભણાવવા અને તેમનું અસ્તિત્વ જાળવી રાખવા માટે મથતી તે માતાઓ કેવી ડિપ્રેશન યુક્ત એકલતાથી લડે છે તે અનુભવવું કે મહેસૂસ કરવું ખૂબ મુશ્કેલ હોય છે. વિધવાઓ માટે આ સમય એવો હોય છે જ્યારે તેને સંસારનાં સર્વ સત્યો સમજાઈ જાય છે અને કવિવર શ્રી ટાગોરની જેમ તે પણ ગાતી થઈ જાય છે કે “ તારી હાક સુણી જો કોઈ ના આવે તો એકલો જાને રે ..... એકલો જાને રે..."
એકલતાની બાબતમાં પશ્ચિમના લોકો કહે છે કે આ સમાજે આપણને ઘણું બધુ આપ્યું છે, તેથી આપણી આસપાસ પણ એવા ઘણાં લોકો છે, જેને કશુક જોઈએ છે. જરૂરી નથી કે બધી જ જરૂરિયાતો ડોલર,પાઉન્ડ અને રૂપિયામાં જ જોઈએ, આ યુગમાં નાણાં કરતાં પણ વધુ સશક્ત હોય તો તે તમારી પ્રેમ ભરી લાગણી, હુંફ અને અને સમય છે. માટે જો બની શકે તેમ હોય તો આવી નૈરાશ્યતા ભરી એકલતામાં જીવતા લોકો માટે થોડો સમય આપજો અને થોડી લાગણી બતાવજો જેથી કરીને તમે સમાજને ફુલ તો નહીં, પણ ફુલની પાંખડીનો એક અંશ આપી સમાજનું ઋણ ઉતારી શકો.