નાનો હતો હજી હાલ સુધી, બાળપણ હતું હજી કાલ સુધી,
મોટો થઈને સંબંધોના દાવ-પેચ માં કેમ ફસ્યો એ યાદ નથી.
મળતા માણસોને જોઇને હસવાની એક પરંપરા છે,
પણ છેલ્લે દિલથી ક્યારે હસ્યો એ યાદ નથી.
મોટા મોટા શહેરો ને ભીડ જાણે સમંદર,
એમાં સ્નેહીઓનો સાથ ક્યારે છૂટ્યો એ યાદ નથી.
અનેક ઉપકરણો સાથે રાખી, બધા સંબંધો હાથે રાખી,
પોતાનાઓથી સંપર્ક ક્યારે તુટ્યો એ યાદ નથી.
સંબંધો સાચવવાની લ્હાયમાં હંમેશા હું ખર્ચાતો રહ્યો,
એમાં કોણે કેટલો લુંટ્યો એ યાદ નથી.
હતું કાચું મકાન ને કાચો આખો રસ્તો,
મારા ગામડાની ધૂળમાં કેટલો આળોટ્યો એ યાદ નથી.
એ પાટી અને પેન જાણે આખું મારું બાળપણ,
એક નો એક એકડો કેટલી વાર ઘૂંટ્યો એ યાદ નથી.
બસ હું જ મારી સાથે છું ને એક મારી લાચારી,
બાકી બીજું શું થયું એ કશું જ યાદ નથી...
- લાચાર