સાંજનો મદહોશ સમય હતો. બાગમાં એક યુગલ આલિંગનમાં ઓતપ્રોત બની બેઠું હતું. સૂર્યાસ્તને જોઈ યુવતી બોલી:'અયાન,આવતા અઠવાડિયે મારા લગ્ન છે! આપણા પ્રણયને જીવંત રાખીને તુંય લગ્ન કરી લેજે!'
'લગ્ન'સાંભળીને અયાનના હોશકોશ ઉડ્યા.
'હવે,મારું કોણ?'
'અન્ય રસ્તો નથી!'
'કેમ?? તારા અફર વાયદાનું શું?'
'વાયદા નિભાવશું તો મોતને ભેટશું!'
'મારા અસ્તિત્વનું શું ! મારી હયાતીના અસ્તનો સમય પાકી ગયો છે!તારી ડોલી અને મારી અર્થી સાથે ઊઠશે!'
વૈભવી ગભરાઈ!'બકા,અયાન! માત્ર ત્રણ જ વર્ષના પ્રયણસંબંધમાંથી વિખુટા પડવાથી તું બેહાલીમાં આવી કાયર વાતો ભલે કરતો કિન્તું એકવાર તારા માવતરનું વિચારજે, જેઓ ત્રેવીસ વર્ષથી તારા પર પ્રેમ વહાવી રહ્યા છે.તને મારો પ્રેમ વામણો લાગશે.
'માવતર' સાંભરતા જ પ્રેમિકાનું મન રાખવા જીવતર એમના ચરણે સમર્પિત કરી લીધું..
-અ.રે.