અહોહો ! ક્યાં સુધી પાછળ અમારી આવતી'તી
વતનની પ્રીતડી ! મીઠે સ્વરે સમજાવતી'તી;
ગળામાં હાથ નાખી ગાલ રાતા ચૂમતી'તી,
'વળો પાછા !' વદીને વ્યર્થ વલવલતી જતી'તી.
બિરાદર નૌજવાં ! અમ રાહથી છો દૂર રે'જે;
અમોને પંથભૂલેલા ભલે તું માની લેજે;
કદી જો હમદિલી આવે, ભલે નાદાન કે'જે;
'બિચારા' ક્હૈશ ના- લાખો ભલે ધિક્કાર દેજે!
ઓ દોસ્તો ! દરગુજર દેજો દીવાના બાંધવોને;
સબૂરી ક્યાંય દીઠી છે કલેજે આશકોને ?
ઇલે શું શું જલે - દેખાડીએ દિલઆહ કોને?
અમારી બેવકૂફીયે કદી સંભારશોને?
અગર બહેતર, ભૂલી જાજો અમારી યાદ ફાની !
બૂરી યાદે દૂભવજો ના સુખી તમ જિન્દગાની;
કદી સ્વાધીનતા આવે, વિનંતી, ભાઈ, છાની:
અમોનેય સ્મરી લેજો જરી, પળ એક નાની !
.....#..... હર હર મહાદેવ.....હર....#.....