#FRIENDSHIPSTORY
પડઘો : ડૉ.સાગર અજમેરી
૧૫ ઓગસ્ટની સવારે આણંદની ઝાયડસ હોસ્પિટલના આઇ સ્પેશિયલ વોર્ડના રૂમમાં આંખે પટ્ટી બાંધી સૂતેલા આઠ વર્ષના ક્રિષની આસપાસ તેના પરિવારજનો ચિંતાતુર મૌન ઊભા હતા. ક્રિષ પાસે આંસુ ભરેલ આંખે બેઠેલી તેની માતા યશોધરાબહેનના ખભે હાથ રાખી રેહાનાબહેન હિંમત આપતા રહ્યા. પાસે રેહાનાબેનનો દીકરો રહીમ પોતાના મિત્ર ક્રિષ સામે વારેવારે એક પછી એક આંખ મીંચકારી જોઇ રહી મૌન તોડતા બોલ્યો, “અમ્મી, મારી બે આંખ છે, હું તો એકથી પણ જોઇ શકુ, તો બીજી ક્રિષને આપી દઈશ.!” ક્રિષ માટે રહીમના બાળસહજ શબ્દો પાછળ પાછલા કોમી રમખાણમાં એકબીજાનો જીવા બચાવતા મૃત્યુ પામેલા બંનેના પિતાની મિત્રતાનો પડઘો ઝીલાયો.! દૂરથી ગીત સંભળાયું, “મઝહબ નહીં સીખાતા.!”