Quotes by Chaitanya Joshi in Bitesapp read free

Chaitanya Joshi

Chaitanya Joshi

@chaitanyajoshi203050


હરિવર એક મારે તું સહારો.
ડૂબતી નૈયાનો તું છો કિનારો.

જન્મોજન્મનો તું છે સંગાથી,
ઉગારજે તું માયાબંધનમાંથી.
હરપળ દેજે તારા વિચારો....1

લખચોરાસીની યાતના મારી,
અમીનજર રાખજે તું તારી.
પ્રાર્થું છું અંતરના ઉદગારો...2

તારા દરશનનો છું અભિલાષી,
ચાતક સ્વાતિને મીન પિયાસી.
નામસ્મરણનો આવકારો...3

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Read More

હરવખ્ત નદી નાવ સંજોગથી વર્તવાનું નહિ ફાવે.
ને આતતાયીઓને સજ્જન કહેવાનું નહિ ફાવે.

ઉદારમતવાદી થવું એ સારી બાબત ગણાય છે,
પણ વારંવાર માફ કરી દઈને ભૂલવાનું નહિ ફાવે.

જતું કરવું પણ કેટલી હદ લગી, માપદંડ જરુરી,
એકલપક્ષે પીછેહટ કરી મોળા દેખાવાનું નહિ ફાવે.

શાંતિ રાખવાની કે ક્ષમાને નિર્બળતા ગણાવાય,
માફ કરવાની રીત હરહંમેશ આચરવાનું નહિ ફાવે.

જેવા સાથે તેવાનો છે જમાનો આજ તો ' દીપક',
રિસાવાના આદતીને હંમેશાં મનાવવાનું નહિ ફાવે.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Read More

મારી ગુલાબવાડીમાં આવ્યો એક ભ્રમર.
કરતો ગુંજારને રખેને ફાવ્યો એક ભ્રમર.

ગીત મધુરાં ગાતો હોય એવી એની અદા,
ગુલાબપ્રેમી પુષ્પ પાસે દેખાયો એક ભ્રમર.

ચાલી ગૈ મધુમક્ષિકા ભ્રમરને ત્યાં નિહાળી,
સૌંદર્ય કુસુમનું જોતાં હરખાયો એક ભ્રમર.

રસ ચૂસે ધીમેધીમે રાખી સલામત પુષ્પને,
ગુલાબવાડીમાં જાણે કે પૂરાયો એક ભ્રમર.

સૌંદર્યને સંગીતનો કરી દીધો સમન્વય કેવો,
ગુલાબ રંગ પાસે શ્યામ લજાયો એક ભ્રમર.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Read More

ઉર તણી નિ:શબ્દ કહેવા ગુલાબ આપો.
સંબંધોમાં સ્નેહને લાવવા ગુલાબ આપો.

ક્વચિત્ હોય તિરાડ સંબંધોની બાબતમાં
પૂર્વવત્ સંબંધો ખીલવવા ગુલાબ આપો.

શક્ય છે મતભેદએ મનભેદમાં પરિણમતો,
પરસ્પર દૂરીની ખાઈ પૂરવા ગુલાબ આપો.

કટુવેણે તૂટી હોઈ મિત્રતા શબ્દબાણ થકી,
નવી શરૂઆત જાણે કરવા ગુલાબ આપો.

પ્રભુનેય પસંદ પ્રસૂનની કોમળતાને સુગંધ,
કરેલી ભૂલોનો એકરાર વદવા ગુલાબ આપો.

મનના વિચારો જે ઘૂઘવતા સાગર સમા હો,
ઉરથી ઉરને નજદીક લાવવા ગુલાબ આપો.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Read More

મારી ફળીમાં ખીલ્યું એક ગુલાબ.
આપતું જાણે નફરતને એ જવાબ.

પ્રેમ તણું પ્રતિક એ સૌને ગમનારું,
કાં ઈશ કાં આશિકને એ મળનારું.
રખેને જમાવતું કેટલો એ રૂઆબ...1

કોમળતા એની સૌને આકર્ષતીને,
રંગ થકી એની ઓળખાણ થતીને.
આપવો ઘટેને મોટો કોઈ ઈલ્કાબ...2

ફળીમાં પામ્યું સ્થાન એ અદકેરું,
શોભા જાણે કે પ્રતિપળ દેનારું.
એનાય હશે કેટકેટલાયે ખ્વાબ.....3

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Read More

ભરવસંતમાં ખરવું પડે એવું પણ બને.
પાનખરમાં ખિલવું પડે એવું પણ બને.

જ્યાં થયા હોય મનભેદથી મન ઉચક,
ત્યાં વખતથી નમવું પડે એવું પણ બને.

સતત હાર થતી હોય આપણી નસીબે,
તોય મને કમને રમવું પડે એવું પણ બને.

હોય સખત વિરોધ જેનાથી આપણોને,
છતાં એનું માન રાખવું પડે એવું પણ બને.

થૈ આપણાં ખંજર ભોંકતા પીઠ પાછળ,
ખિન્ન હૃદયે એને સહેવું પડે એવું પણ બને.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Read More

શરણાગતને સ્વીકારો હનુમંતવીરા,
રામભક્તિમાં વાળો રે હનુમંતવીરા.

છું સંસારી મોહમાયામાં લપેટાયો,
હરિભજનથી દૂર છું હું અટવાયો.
રતિ રામચરણમાં આપો રે હનુમંતવીરા..1

અંજનીનંદન છો ઉપકારી દયા કરોને,
ભક્તિભાથું રામતણું અંતરે ભરોને.
ફેરા ચોરાસીના કષ્ટ હરોને હનુમંતવીરા...2

પાપીને ભયગ્રસ્ત છું વિષયનો અનુરાગી,
શબ્દે શબ્દે રહ્યો પ્રાર્થી રામભક્તિ માગી.
આશ્રય કીધો તમારો ખરોને હનુમંતવીરા...3

જન્મોજન્મની ઝંખના મારી રામદર્શન કાજે,
વાંક અગણિત કબૂલી આવ્યો શરણે આજે.
રામનામની લગની ભરોને હનુમંતવીરા....4

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Read More

હું સાદ પાડુંને તું જ સાંભળે એવું પણ બને.
સંદેશ મારો તને એમ જ મળે એવું પણ બને.

ન મળીએ રૂબરૂ એથી શું? પ્રતિક્ષા તો ખરી,
મારા મનની બધી દ્વિધા ટળે એવું પણ બને.

સાવ સૂનકાર મારે હૈયે તારી ગેરહાજરીમાં,
વિલંબની વાતે પરસેવો વળે એવું પણ બને.

પર્યાપ્ત છે યાદ તારી જીવનમાં પ્રાણ પૂરતી,
મુલાકાતની મુરાદ કદીયે ફળે એવું પણ બને.

રસ્તો એક જ મારો તારો આવનજાવન તણો,
એકમેકથી ઊભયને કેવું ભળે એવું પણ બને.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Read More

મળવાને મને તમે આવજો સાગરકિનારે.
મળવાને મને તમે આવજો મુજના વિચારે.

પ્રકૃતિ હોય જ્યાં હાજર હરપળ શોભતી,
મળવાને મને તમે આવજો સવારે સવારે.

હોય સાગર, સૂરને સૂસવતો અનિલ પણ,
મળવાને મને તમે આવજો ઉર આવકારે.

પક્ષીઓનો હશે કલરવ રવિઉદયે લાલીમા,
મળવાને મને તમે આવજો એકે થૈ હજારે.

પરસ્પર સ્નેહસેતુ બંધાશે સહજ અનાયાસે,
મળવાને મને તમે આવજો કવિત્વના સહારે.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Read More

ગૂઢલિપી સમી એ જિંદગી વંચાતી નથી.
ખૂબ મથ્યો છું પણ ગતિ સમજાતી નથી.

માંડમાંડ આવે કિનારો હો પાછા ફરવાનું,
મઝધારની સંગતથકી એ વરતાતી નથી.

કેટલું ઝઝૂમ્યા કૈંક કરી છૂટવા કાજ વળી,
એક પછી આવતાં શૂન્યે પરખાતી નથી.

માંગી હશે ઈશ પાસે કરગરીને કેટકેટલું,
બક્ષિસ ગણું એની મનમાં સમાતી નથી.

આખ્ખે આખું આયખું એની નાગચૂડમાં,
સ્વતંત્રતા જેવી કોઈ બાબત દેખાતી નથી.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Read More