શબ્દોને મોકળા રાખો મારાભાઈ,
એને છંદની જંજીરથી ના બાંધો.
આમ તો બધા છે ભાઈબંધ મારા,
અછાંદસ કહી કખોડે એનો વાંધો.
આ તો લાગણીની વાત છે હૈયું જાણે,
મૂકો લઘુગુરુની ગણતરી આજે કોરાણે
ચડસાચડસીમાંને મોટા થવાની લ્હાયે,
કોઈ પોતાની ખીચડી કાં રે ભાઈ રાંધો.
શબ્દોની નાત છે, શબ્દોની જાત છે.
ઊભરતા હૈયાંને મળતી કેવી નિરાંત છે
છૂટા મૂકી દ્યોને શબ્દોને દ્યોને વિહરવા,
કાં કરી કાપકૂટ- તોડજોડ એને બાંધો?
ગણીગણીને ગણ્યા છે તો અક્ષરોને.
કરો નક્કી તમે જ કોણ ખોટો કે ખરોને.
જૂનું જાળવો પણ સમયને તો સાંભળો,
આડેધડ લખનારનેય માણો હો સુગંધો.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.