કર્મપ્રધાન છે જગત આખું.
એથી વિશેષ કોને હું સ્થાપું?
છે કર્મની તો સત્તા વિશાળ,
કર્મ ના ટળતું કોઈ પણ કાળ.
ચારે જુગમાં છે એનો પ્રભાવ.
કરોને પામો એ એનો સ્વભાવ.
ક્યારેક કર્મ નાનું , કદી વિકરાળ,
કર્મ ના ટળતું કોઈ પણ કાળ.
એની આગળ ઈશ પણ હારે.
નાવ ડૂબાડે કે લાવે એ કિનારે.
કુકર્મો કરવાનું મનવા તું ટાળ,
કર્મ ના ટળતું કોઈ પણ કાળ.
તારું કિસ્મત છે તારે જ હાથ,
એમાં કૈં ના કરે જગતનો નાથ.
તજવી ઘટે માયાની મધલાળ,
કર્મ ના ટળતું કોઈ પણ કાળ.
સર્વોપરી સત્તા એની જ ગણાય,
ના હસ્તક્ષેપ ઈશનો ત્યાં જણાય.
મનવા પાણી પહેલાં બાંધવી પાળ,
કર્મ ના ટળતું કોઈ પણ કાળ.
ભોગવ્યાવિણ ના થાય છૂટકારો,
સિદ્ધાંત કર્મનો હોય સૌથી ન્યારો.
ખડકાતા જાય માળ ઉપર માળ,
કર્મ ના ટળતું કોઈ પણ કાળ.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.