આજે મારી મમ્મીએ તેના મામાટની હેલ ઉટકવા કાઢી. આંબલી અને છાસમાં, એ હેલ ઉટકતા હતા.
હેલ ઉટકતા ઉટકતા તેમણે બહુ સરસ વાત કહી, "જો પેહલા દીકરીને તાંબાની હેલ આપતા, અને દીકરીના મામાની હેસિયત ન હોય તો ગામધણી મામાટ આપતા હતા. ત્યારે માણસો કાચા હતા પણ સંબંધ પાકા હતા અને સંબંધ લાંબા ટકતા હતા. હવે અમુક જગ્યાએ દીકરીને સ્ટીલનું મામાટ આપે, અત્યારે માણસો પાકા થઈ ગયા અને સંબંધો કાચા થઈ ગયા." (એમ નથી કહેતી કે સ્ટીલ નું મામાટ ન અપાઈ પણ ફક્ત એક વાત કરું છું)
તાંબુ એ જેમ જેમ ઉટકતા હતા, તેમ તેમ એની સોના જેવી ચમક આવી રહી હતી.
તેમણે કહ્યું કે, "પેહલા માણસો એવા હતા કે તેમની વાત પર અડગ રેહતા, એટલે માણસો કહેવત કહેતા, તાંબાના પતરે લીટો કરી દવ"
જેમ તાંબાના પતરા પર લીટો પાડો તો તે સહેલાઈથી મટતો નથી, એમ કોઈ વાત કે કામ એવું કરી નાખવું કે જે કાયમી થઈ જાય, પાછું ફેરવી શકાય નહીં. હાલ અફસોસ થાય કારણ કે અત્યારે આ વાતનું કોઈ મૂલ્ય જ નથી માણસો ને, અત્યારે કોઈ પોતાની જીભ પર અડગ નથી રેહતું, તરત જ કહી દેય, મે આમ થોડું કહ્યું હતું...
કેમ???
કારણ કે, અત્યારે માણસો બહુ હોશિયાર થઈ ગયા છે, અથવા પોતાની જાત ને બીજા કરતા બહુ હોશિયાર માને છે, પણ આ જગતમાં હાલ બધા જ બહુ હોશિયાર છે.
તમે જેને એમ સમજો છો ને કે તેને કંઈ સમજ નથી પડી રહી તે મૂર્ખ છે, તો તમે સમજી લેજો કે તે માણસ સંબધ નિભાવવા માટે મૂર્ખ બની રહ્યો છે.
બાકી જેને સંબધ નિભાવવા જ નથી તે તો હશે જ સાત હોશિયાર.
_firdous "kaSak"