રીસાયા વાદળ
વર્ષો પછી એવું થયું કે કચ્છથી વાદળ રીસાયા,
વૃક્ષ થયા ઓછા કે શુ કેમ ? ઇન્દ્ર દેવ ખીજાયા.
સૂકા ભઠ્ઠ આ રણના વાયરા, લૂ બનીને વાયા,
લીલાછમ એ વન વગડાના, હવે માત્ર પડછાયા.
લીલોતરીને કાપી આપણે, લોભના જાળ બિછાવ્યા,
કુહાડી મારી હાથે કરીને, દિવસો આવા લાવ્યા.
પાદર ખૂટ્યા, પાણી ખૂટ્યા, કૂવા તળિયે ગૂંગળાયા,
સમજુ થઈને ફરતા'તા જે, આજે એ ભોળવાયા.
પશુ-પંખી અને માણસ આખા, પાણી વિના તરસાયા,
કહે નર કચ્છની ધરતી કાગડોળે જુએ, ક્યારે થશે ઘેરી છાયા?