એક દિ' ઈશ્વર તું આવ મારાં ફળિયામાં.
ને લેજે એનો તું લ્હાવ મારાં ફળિયામાં.
ઘેઘૂર વટવૃક્ષ વાયુસંગે પત્રરવથી બોલાવે,
જોજે તું વિહંગ હાવભાવ ,મારાં ફળિયામાં.
નાનાંનાનાં ભૂલકાં કાલીઘેલી ભાષા વદતાં,
રિસાયેલાં એને તું મનાવ,મારાં ફળિયામાં.
ગુલાબ, ચંપો, જાસૂદ, મોગરો શોભનારાં,
ગૂંજતા ભ્રમરોનો પડાવ,મારાં ફળિયામાં.
પામે મૂઠી જાર કપોત કરી ઘૂઘવાટ હરખતાં,
યાચકમાં હો ઈશનો દેખાવ, મારાં ફળિયામાં.
આવે અતિથિ કરે બપોરા સત્કાર જેનો થાતો,
એની તુષ્ટિમાં તારો પ્રભાવ, મારાં ફળિયામાં.
યાદ રહેશે તને પણ આ મુલાકાત દીર્ઘકાલિન,
કદીએ નહીં ભૂલાય બનાવ, મારાં ફળિયામાં.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.