The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
તું ના છટકી શકે મારા મનમંદિરના દ્વારેથી. તું ના અટકી શકે મારા મનમંદિરના દ્વારેથી. જીહ્વા, કર્ણમાં નામરૂપે તું ટહુકાઓ કરનારો, પાછો ના ફરી શકે મારા મનમંદિરના દ્વારેથી. રહી ઝંખના નિરંતર નયનને સંમુખ દર્શનની, તું ના અવગણી શકે મારા મનમંદિરના દ્વારેથી. સંબંધ જન્મજન્માંતરનો આપણો હરિવર, તું ના એને ભૂલી શકે મારા મનમંદિરના દ્વારેથી. દુગ્ધા દિલની દ્વારકેશ દયાનિધિ દેખી દાતાર, વચનથી ના ફરી શકે મારા મનમંદિરના દ્વારેથી. મુલાકાત મનભરીને મૂરલીધર મનની મુરાદ, વસંત છે ના વળી શકે મારા મનમંદિરના દ્વારેથી. - ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.
એક દિ' ઈશ્વર તું આવ મારાં ફળિયામાં. ને લેજે એનો તું લ્હાવ મારાં ફળિયામાં. ઘેઘૂર વટવૃક્ષ વાયુસંગે પત્રરવથી બોલાવે, જોજે તું વિહંગ હાવભાવ ,મારાં ફળિયામાં. નાનાંનાનાં ભૂલકાં કાલીઘેલી ભાષા વદતાં, રિસાયેલાં એને તું મનાવ,મારાં ફળિયામાં. ગુલાબ, ચંપો, જાસૂદ, મોગરો શોભનારાં, ગૂંજતા ભ્રમરોનો પડાવ,મારાં ફળિયામાં. પામે મૂઠી જાર કપોત કરી ઘૂઘવાટ હરખતાં, યાચકમાં હો ઈશનો દેખાવ, મારાં ફળિયામાં. આવે અતિથિ કરે બપોરા સત્કાર જેનો થાતો, એની તુષ્ટિમાં તારો પ્રભાવ, મારાં ફળિયામાં. યાદ રહેશે તને પણ આ મુલાકાત દીર્ઘકાલિન, કદીએ નહીં ભૂલાય બનાવ, મારાં ફળિયામાં. - ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.
કીડીએ કુંજર સામે બાથ ભીડવી નકામી. હિતશત્રુની વાત હરહંમેશ માનવી નકામી. પછેડી ધ્યાનમાં રાખીને સોડ રાખવી સારી, ને પછી ખોટેખોટી તાણાતાણી કરવી નકામી. સાગરની ઊંડાઈ માપવા ખાંડની પૂતળી ગઈ, પછી શું થયું એનું એની વાત કહેવી નકામી. શક્તિ અને ઝનૂન નથી પર્યાય એકમેકનાને, હાથીના વાદે ડાંડાની કરવી ચાવણી નકામી. બાવળ વાવી દીધા ક્રોધમાંને ક્રોધમાં એકદા, ને હવે આશા કેરી તણી એણે રાખવી નકામી. - ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.
બહુ થયું હવે તો પાછા વળો. ઘણું ગયું હવે તૉ પાછા વળો. દાનત ક્યાં છે તમારી સારી? નસીબ નથી આપવાનું યારી. કમજોર છો ગુસ્સો ના કરો, બહુ થયું હવે તો પાછા વળો. ક્યાં દેખાય છે ભૂલ તમારી? વાતવાતે ચાંપો છો ચિનગારી. અહીં તો જેવું કરો એવું ભરો, બહુ થયું હવે તો પાછા વળો. શક્તિ વિચારીને કરોને કામ, ઉતાવળાને ઝનૂની છો તમામ. બાપની સામે કાં બાંયો ચડાવો? બહુ થયું હવે તો પાછા વળો. - ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.
ઓપરેશન સિંદૂર" સફળ કરનાર, સેનાને ધન્ય હો. આતંકીઓને શોધીશોધી હણનાર, સેનાને ધન્ય હો. લીધો બદલો પહેલગામના આતંકી હુમલાનો આજે, લશ્કરની શાન કર્તવ્યથી વધારનાર, સેનાને ધન્ય હો. સુવ્યવસ્થિત આયોજનને સમયસૂચકતા દેખાડીને, આતતાયીઓનું નિર્મૂલન સ્વીકારનાર, સેનાને ધન્ય હો. હશે હરખતી મા ભારતી આજે હર્ષાશ્રુઓ વહાવીને, કર્તવ્ય એ જ જેના જીવન શણગાર, સેનાને ધન્ય હો. હણીને સાતેય સ્થળે હિસાબ સરભર કેવો કરી દીધો! ભારતમાતા સાચા છો તમે રક્ષણહાર, સેનાને ધન્ય હો. - ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.
નયનને પાપણનો સથવારો નિરંતર. નયનને પાપણનો પલકારો નિરંતર. છોને કરી ગર્જના ઘૂઘવેને ઊછળે, સમદરને આંબવાનો કિનારો નિરંતર. વહીને અંબુથી નીચાણે જનારી એ, સરિતાને સાગરથી પનારો નિરંતર. પંખીઓના ગાનથી જે શોભનારાં, દ્રુમ વર્ષાને આપે આવકારો નિરંતર. વર્ષો વીત્યા પછી સાવ મામૂલી લાગે, જિંદગી જાણે વીજ ચમકારો નિરંતર. - ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.
બેઠો ઉપર ઈશ્વર, એનાથી ડરવાનું રાખો. કર્મમાં એની અસર, એનાથી ડરવાનું રાખો. લેખાંજોખાં કર્મના ચોક્કસ થવાનાં એકદિ' નથી કોઈ અમર, એનાથી ડરવાનું રાખો. સત્યની સદાય સહાય સ્વીકારે સર્વેશ્વર, દરેકમાં વસે અંદર, એનાથી ડરવાનું રાખો. નથી આવતો એની લાકડીનો અવાજ પણ, ખોટાંને પડશે માર, એનાથી ડરવાનું રાખો. તલેતલનો હિસાબ એ રાખે છે પ્રત્યેકનો, કરીને ભૂલનો સ્વીકાર, એનાથી ડરવાનું રાખો. - ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.
કર ગ્રહીને આવ્યો છો કુહાડી, ઉજ્જડ કરીને જંપ્યો તું વાડી. ના રાખ્યો માનવતાનો મલાજો તારું કોઈકાળે ના સારું થાજો. વસતાં પરિવાર સંગ સૌ તરૂવરે કુટુંબકબીલા કેટકેટલા થરથરે. આશરો ગુમાવ્યો તારો તકાજો તારું કોઈ કાળે ના સારું થાજો. બે ચાર પંથી લેતાં ત્યાં વિશ્રામ, પિંખાયો માળોને થયું સૂમસામ. ક્યા ભવનો રોષ ઠાલવ્યો ઝાઝો, તારું કોઈ કાળે ના સારું થાજો. મૂળમાંથી ઝાડ થયું જમીંદોસ્ત, થયા નાના જીવો સઘળા ત્રસ્ત. ક્યા વાંકગુનાની કાઢી છે દાઝો, તારું કોઈ કાળે ના સારું થાજો. - ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.
માનવંતા એ બને જેનામાં માનવતા હોય. માનવંતા એ બને જેનામાં સરળતા હોય. બુદ્ધિ અને પુરુષાર્થથી સફળતા મળે છે, માનવંતા એ બને જેનામાં બુદ્ધિમતા હોય. આંટીઘૂંટી દુનિયાની પ્રભુને પસંદ નથી હોતી, માનવંતા એ બને જેનામાં નિખાલસતા હોય. ભીતર અને બહાર ન હોય ભિન્નતા જેને, માનવંતા એ બને જેનામાં એકરૂપતા હોય. કરી કામ કોઈના કદી ના વેણ ઉચ્ચારતા, માનવંતા એ બને જેનામાં ગંભીરતા હોય. - ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.
આજે કર્યું તે કાલે મળશે એની આ વાત છે. કર્મ ચોક્કસ સૌને ફળશે એની આ વાત છે. સારાં કે ખરાબ કર્મો વિચાર મુજબ થાય છે, સિદ્ધાંત કર્મનો ના ટળશે એની આ વાત છે. છોને હરખતાં બૂરાં કામ કરી મેળવી લીધુંને, ઉંમર વધતાં જીવન ઢળશે એની આ વાત છે. ઈશ્વરનેય બાધક બને કર્મ અવતાર ધર્યા પછી, તો પછી માનવ કેમ બચશે એની આ વાત છે. ક્ષુલ્લક લાભ સારુ કેટકેટલાં કર્મો કરાય અહીં, એકદિ' પોથી પ્રભુની ખૂલશે એની આ વાત છે. - ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser