હૃદયના ઘાવ કોઈને દેખાડવાના નથી હોતા.
કાળજાના ડાઘ કોઈને કહેવાના નથી હોતા.
હસતો ચહેરો દુનિયા માને સુખની નિશાની,
વિષ પાયાં જગતે તે વર્ણવાના નથી હોતા.
નમક હોવાનું દરેક પાસે, મલમ ક્યાં રાખે છે?
ભાવ પૂછનારા કૈં ઈલાજ કરવાના નથી હોતા.
હોય છે દાંત હાથીના મધુ જબાને બોલનારા,
અણીના વખતે સાથે કૈં ઊભવાના નથી હોતા.
શિરસ્તા સઘળા સ્વાર્થની બુનિયાદે નભનારા,
ગરજ સરતાં કોઈ કદીએ ટકવાના નથી હોતા.
ઓફર કરે સમયે માથું આપવાની વાતવાતમાં,
માગી જો ખિસ્સામાં હાથ નાખવાના નથી હોતા.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.