સિગારેટ ધ્રુમ્રપાન 🥵
ઘણીયે ક્ષણ ગઈ બાળી
પછી સળગાવી'તી સિગરેટ,
વ્યથા આવી તો સ્વીકારી
પછી સળગાવી'તી સિગરેટ.
હજી જોઉં હું સપનું
ત્યાં તો
દુનિયા આંખ ખોલી ગઈ,
ચિતા સમણાની સળગાવી,
પછી સળગાવી'તી સિગરેટ.
"તું જયારે એકલો હોઈશ
હું ત્યારે પાસ આવી રહીશ",
કહીને એય ના આવી
પછી સળગાવી'તી સિગરેટ.
પવન એવો આ દુનિયાનો,
ન કોઈ આગ બળવા દે,
મેં માચીસ જાતની કાઢી
પછી સળગાવી'તી સિગરેટ.
હશે મૃત્યુ આ મારું
કોઈ કારણવશ જરા મજબૂર,
મને જીવનમાં દફનાવી
પછી સળગાવી'તી સિગરેટ.
મને ફૂંક્યા પછી
આ જિંદગી કચડીય ગઈ પગથી,
છતાં રહી જિંદગી બાકી,
પછી સળગાવી'તી સિગરેટ.
પીધા સંબંધ ત્યારે તો
ન આપી કોઈ ચેતવણી!
બધી ચેતવણીઓ વાંચી
પછી સળગાવી'તી સિગરેટ.
પરોવાઈ કોઈની આંગળી
ના આંગળીઓ વચ,
જગા ભરવા એને રાખી
પછી સળગાવી'તી સિગરેટ.
વિષમતાઓ જ પીને
ઝૂંપડે મોટા થતાં બાળે,
જગત સળગાવું છું - ધારી,
પછી સળગાવી'તી સિગરેટ.
- અર્પણ ક્રિસ્ટી
#SahityaSangeetGroup
#gujaratipoem
#arpankristi
#gujaratiliterature
#GujaratiSahitya