જળ ઉફાણાં ઓસર્યા તો જાત પર આવી ગયા
વા ફર્યો, વાદળ ફર્યા તો જાત પર આવી ગયા
લાગણી જેવી જરા ભીનાશ વરતાણી, અને
સહેજ અમથું ખોતર્યા તો જાત પર આવી ગયા
કોઇની ઓળખ-પરખ સંભવ હતી નહીં ભીડમાં
ભીડથી નોંખા કર્યા તો જાત પર આવી ગયા !
આમ તો ચહેરા બધાનાં છે મુખોટાગ્રસ્ત પણ
આયના, સામે ધર્યા તો જાત પર આવી ગયા
ઓથ ફૂલોની મળી પણ કંઇ ન શીખ્યા કંટકો
એ નપાવટ, પાંગર્યા તો જાત પર આવી ગયા !
જિંદગીભર જેમણે ખુદને જ સાચા ઠેરવ્યા
છેવટે, ખોટા ઠર્યા તો જાત પર આવી ગયા !