જેમ દરિયો એમ રણ જીવંત છે
એક ઈચ્છા, આજ પણ જીવંત છે
સ્વપ્ન આપોઆપ સર્જાતા નથી
છેક તળિયે સંસ્મરણ જીવંત છે
શક્ય છે બદલે દશા આગળ જતાં
છે અધૂરી આશ, પણ જીવંત છે
ફૂટશે ફણગા નવા એકાદ-બે
હાંસિયામાં એક જણ જીવંત છે
નહીં ટળે આ પેટમેલાં ઝાંઝવા
જ્યાંસુધી તરસ્યા હરણ જીવંત છે !
ક્યાંય રોકાતો નથી, ફરતો સમય
એટલે એકેક ક્ષણ જીવંત છે
છે સજીવન જિંદગી જે કારણે
એજ કારણસર મરણ જીવંત છે !