"જીવન પંથ પર" (ગઝલ)
જીવન પંથ પર સાવ એકલા ચાલવાનું છે,
અંધારું ભલે હોય, દીવો જાતે બાળવાનું છે.
કોઈ દેશે નહિ નકશો તને મંજિલનો અહીં,
પગલે પગલે નવો રસ્તો ઘડવાનું છે.
પડીશ તોય ફિકર નહિ, એ તો રસમ છે પંથની,
પડીને ફરી પાછું સ્મિતમાં ઢાળવાનું છે.
ભીડ ભલે દોડે સૌ એક જ દિશામાં,
તારે તારા દિલનું સાંભળીને વળવાનું છે.
મંજિલ મળશે કે નહિ, એ સવાલ છોડી દે,
રસ્તામાં જે મળે એને માણવાનું છે.
થાકી જાય તો “સ્વયમ્'ભૂ' જરા બેસી જજે,
શ્વાસને મળીને ફરી પાછું ચાલવાનું છે.
અશ્વિન રાઠોડ— “સ્વયમ્'ભૂ”