આવી આવીને કાં વયા જાઓ છો વાદળ?
વરસવાનું કેમ રે તમે ભૂલી જાવ છો વાદળ?
ઋતુ તમારી છે તમારે વરસવું જોઈએ,
ઋતુ તમારી છે તમારે ગરજવું જોઈએ.
તોય શાને સંગ્રહ કરીને અકારા થાવ છો વાદળ?
મોરલાઓએ ટહૂકવું હોય એટલું ટહુકી લીધું,
ને ચાતકે જળ સ્વાતિનું હજુએ નથી પીધું.
ફરજમાં કેમ દાધારીંગા તમે દેખાવ છો વાદળ?
દાદુર છે આતુર "ડ્રાઉ ડ્રાઉ"કરવાને ક્યારથી,
મેઘધનુષ્ય આકાશે લાઇનમાં ઊભું છે ક્યારથી.
તોય તમે હાથતાળી દઈને છટકી જાવ છો વાદળ?
વરસો ત્યાં પાછું વાળીને જોતા નથી તમે પણ કેવા?
તારાજી સરજીને જંપો છો અટકચાળા છોને એવા!
ને અહીં વરસતા શું જોર પડે છે લજાવ છો વાદળ?
-ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.