જોતજોતામાં આંખ પલકારે એ ચાલી ગઈ જિંદગી.
મોડે મોડે પડી ખબર કે સાવ એ ખાલી ગઈ જિંદગી
ઘટમાળ સુખ અને દુઃખની આવતી રહેતી સતત ને
સુખદ ક્ષણોમાં કેટ કેટલી એ મહાલી ગઈ જિંદગી.
વરસ્યા અશ્રુઓ જ્યાં દુઃખની દિશા ભાળી સન્મુખ
વલોપાતી હૈયે હાથ હરિનો એ ઝાલી ગઈ જિંદગી.
દિવસો નો'તા નીકળતા જ્યારે આફત વરસતી હતી
મહેણાં ટોણા સ્વજનોના એ સંભળાવી ગઈ જિંદગી
હતા જે દૂરસુદૂર વખત બદલતા સમીપ દેખાયા કેવા
દસ્તૂર દુનિયાનો અનાયાસે સમજાવી ગઈ જિંદગી.
-ચૈતન્ય જોષી' દિપક' પોરબંદર.