સમાજમાં હવે શાંતિની ચાહ ફક્ત શબ્દ પૂરતી જ સીમિત રહી છે. રોજબરોજ ક્રાઈમ એટલું વધે છે એ જોઈને એમ થાય કે ખરેખર કળયુગ આને જ કહેવાય. સહનશક્તિનો અભાવ અને અહમને સંતોષવા માટે વ્યક્તિ કોઈ પણ હદ સુધી જઈ શકે છે. સ્કૂટર, બાઇક કે કાર કેમ મારા વાહનથી આગળ વધી કે કેમ હોર્ન વગાડે આવી સામાન્ય બાબતમાં પણ મર્ડર થવા લાગ્યા છે. અને એ પણ જાહેર સ્થળે અને દિવસના સમય દરમ્યાન!
લોકો બિન્દાસ આવું કૃત્ય થયું હોય છતાં ત્યાંથી એ ધ્યાનમાં લીધા વગર જતા પણ રહે છે! મૂવી મોટેભાગે એવા જ આવે છે કે જેનાથી બાળક નાનપણથી જ એમ સમજે કે કોઈ પણ વ્યક્તિને મારવું એ સામાન્ય છે! માતાપિતા પણ પોતાના બાળકને એવી જ સૂચના આપતા હોય છે કે મારીને આવજે પણ માર ખાઈને આવ એવું નબળું નહી રહેવાનું! આનાથી વિશેષ કળિયુગની શું સીમા હોય??!!
કાનૂન એટલું ધીમું કામ આપે કે લોકો જાતે જ એમને જે ઠીક લાગે એ નિર્ણય લઈને કામ કરતાં થઈ ગયા છે. સરકાર બધું જોવે છે પણ એમણે જેમા સ્ટ્રીક થવું છે એમાં થાય જ છે તો આ બાબતે સ્ટ્રીક કેમ નથી થતી??? હેલ્મેટ ન હોય તો તરત દંડ, ટોલટેક્સ સીધો એકાઉન્ટમાંથી ભરાય જાય કોઇપણ વસ્તુ ખરીદીએ તો તરત જ એ ખરીદી પર ટેક્સ સાથે જ એ આપણે ખરીદીએ છીએ. આવી સામાન્ય બાબતમાં જો સરકાર આટલું સરસ શિસ્તબંધ કામ કરે તો આટલા મોટા ગંભીર પ્રશ્નો પર કેમ કોઈ એકશન નથી લેતી?? અહીં હજુ તો સાવ સામાન્ય જ મુદ્દા કહ્યા આ સિવાય અનેક એવા મુદ્દા જોવા મળે છે જે ખરેખર માનવતા પર જોરદાર કલંક સમાન હોય છે.
શાંતિ આજના સમયમાં જે છે એ પણ નહી રહે જો મૂવીમાં આવનાર કે ઓનલાઇન ખોટા માર્ગે દોરતા વિડિઓ બંધ નહી થાય તો આવનાર પેઢી વધુ આક્રમક અને ઝનૂની હશે! આ એક કડવી આજના સામાન્ય માનવીની વાસ્તવિકતા છે.
- ફાલ્ગુની દોસ્ત