શું જલિયાંવાલા બાગ જ બ્રિટિશ ઇતિહાસનું સૌથી મોટું કલંક હતું? 🏴
આપણે જલિયાંવાલા બાગની ક્રૂરતા વિશે જાણીએ છીએ, પણ શું તમે કેન્યાના 'માઉ માઉ' આંદોલન વિશે સાંભળ્યું છે? જ્યાં ૮ વર્ષ સુધી બ્રિટિશ જલ્લાદોએ માનવતાનું લોહી વહાવ્યું હતું. ૧,૦૯૦ લોકોને કોઈ પણ ખટલા વગર ફાંસી અને લાખો પર અત્યાચાર.
જલિયાવાલાના હત્યાકાંડને જ જો બ્રિટિશ
ઇતિહાસનો શરમજનક બનાવ ગણતા હોય તો એ મંતવ્ય ભુલભરેલું છે. જલિયાઁવાલાને ભુલાવી દે
તેવા અત્યંત ભયંકર જનસંહાર વડે બ્રિટનનો ઇતિહાસ ખરડાયેલો છે. એ કત્લેઆમ કે જે સામ્રાજ્યવાદી
બ્રિટને ૧૯૫૨ થી ૧૯૬૦ સુધી આફ્રિકી દેશ કેન્યામાં ચલાવ્યો. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં અફ્રિકાના
ઘણા દેશોને બ્રિટને પોતાની મુઠ્ઠીમાં લીધા હતા. કેન્યામાં જો કે તેને વિશેષ રસ હતો. આફ્રિકાના અન્ય
પ્રદેશો કરતાં કેન્યા અલગ હતું. અહીંની જમીન અત્યંત ફળદ્રુપ તેમજ ઉપજાઉ હતી, માટે ખેતી વડે
મબલખ પાક લણી તેને મોમ્બાસા જેવા બંદરોથી સમુદ્રમાર્ગે બ્રિટનભેગો કરી શકાય તેમ હતો. વળી
કેન્યાની આબોહવા યુરોપ જેવી ખુશનુમા હોવાને કારણે ગોરા વસાહતીઓને હંમેશ માટે ત્યાં વસી
જવામાં કશી અગવડ પડે તેમ ન હતી.
વીસમી સદીના આરંભે બ્રિટને કેન્યાના પ્રદેશો હસ્તગત કરવાનું આરંભ્યું. સ્થાનિક હબસી પ્રજાના
ખેતરો બંદૂકની નોકે ખૂંચવી લેવામાં આવ્યાં અને ગરીબ લોકોને ખેતમજૂરીના કાર્યમાં જોતરી દેવાયા.
કાળો પરિશ્રમ કરાવ્યા છતાં તેમને પૂરતું મહેનતાણું અપાતું નહિ--અને તે બાબતે વિરોધ કરનાર કોઇ
હબસીને જીવતો છોડાતો નહિ. આ જાતની શોષણખોરી વર્ષો સુધી ચાલી ત્યારે ૧૯૫૦ની આસપાસ
કેન્યામાં માઉ માઉ તરીકે ઓળખાતું હબસી ક્રાંતિકારોનું સંગઠન ગોરી સરકારની સામે અવાજ ઊઠાવવા રચાયું. અંગ્રેજો તરફથી પ્રતિસાદ દેખીતી રીતે હિંસક મળ્યો,
એટલે માઉ માઉ સંગઠનના ક્રાંતિકારો પણ હિંસાએ ચડ્યા. ટોચના બ્રિટિશ અફસરોને તેમણે નિશાન
બનાવ્યા. આ કૃત્યનો ગોરી સરકારે અનેક ગણો ઘાતકી જવાબ આપ્યો. માઉ માઉ સંગઠનના સેંકડો
હબસીઓને તેણે વીંધી નાખ્યા. બીજા અનેકની પૂછપરછના નામે અટકાયત કરી, જેમનો અતોપતો
ક્યારેય મળવાનો નહોતો. કહેવાય છે કે તે સૌને અજ્ઞાત સ્થળે દફનાવી દેવાયા હતા. અંગ્રેજોના હિંસક
કૃત્યો આટલેથી ન અટક્યાં. ગોરી હકૂમત સામે માઉ માઉ ક્રાંતિકારોની લડત ૧૯૫૨થી ૧૯૬૦ સુધી
ચાલી, જે દરમ્યાન કેન્યાસ્થિત બ્રિટિશ જલ્લાદો દ્વારા ૧,૦૯૦ ક્રાંતિકારોને વિના ખટલો ચલાવ્યે ફાંસી
દેવામાં આવી. અંદાજે ૫,૦૦,૦૦૦ લોકોને જુદા જુદા કોન્સન્ટ્રેશન કેમ્પમાં ધકેલી દેવાયા, જ્યાં તેમને
ગોરા અફસરો દ્વારા અમાનુષી ઢબે માનસિક તેમજ શારીરિક યાતના અપાતી. દા.ત. ધારદાર છરા
વડે અનેકના આંગળા કાપી દેવાતા, કેટલાકના કાન-નાક વાઢી લેવાયા, તો અનેકની આંખો ફોડી
નાખવામાં આવી. પૂરપાટ હંકારતી લેન્ડ રોવર મોટરકાર સાથે દોરડા વડે બાંધી અનેક ક્રાંતિકારીઓને
પીડાદાયક મોત અપાયું. હબસી સ્ત્રી-પુરુષોને ટોર્ચર કરવાની બ્રિટિશ અફસરોએ અપનાવેલી અમુક
રીતોનું તો અહીં વર્ણન સુદ્ધાં થઇ શકે તેમ નથી.
આખરે ૧૯૬૩માં અંગ્રેજોએ કેન્યામાંથી વિદાય લીધી ત્યારે આઠેક વર્ષના લોહીયાળ સંઘર્ષને
પૂર્ણવિરામ મૂકાયું. માત્ર આઠ વર્ષમાં અંગ્રેજ જલ્લાદોએ કેન્યાના ૯૦,૦૦૦ હબસી સ્ત્રી-પુરુષો તથા
બાળકોનું નિકંદન કાઢી નાખ્યું હતું. આમ છતાં ઇતિહાસના પાને મૃતકોનો આંકડો ૧૨,૦૦૦થી વધુ
નોંધાયો નહિ. બ્રિટિશશાસિત કેન્યામાં ચાલેલા માઉ માઉ આંદોલનને લગતાં ઘણાં ખરાં સરકારી
રેકોર્ડ તેમજ નોંધ બ્રિટને સગવગે અગર તો નાબૂદ કરી દીધા. પરંતુ પુરાવા નાબૂદ કર્યો ઇતિહાસ
થોડો બદલાય છે ? સામ્રાજ્યવાદી બ્રિટનના ઇતિહાસમાં તો વળી માઉ માઉ જેવા બીજા ઘણા વ્યાપક
જનસંહારોના દાખલા છે, જેમનો નામોલ્લેખ બ્રિટન આજે કરવા માગતું નથી.
https://www.facebook.com/share/p/1GmP6VGNjr/