શીર્ષક: રસ્તે રઝળતા વિચારો
પ્રકાર: અછાંદસ કાવ્ય
શહેરના ઘોંઘાટ વચ્ચે એક પ્રશ્ન મનમાં અટકી જાય છે,
કે આ રીક્ષા ક્યાં હાલતી હશે?
કોઈની રાહ જોવાતી હશે કે કોઈને છોડવા જતી હશે?
કે પછી માત્ર નસીબના પૈડાંની જેમ,
એ પણ કોઈ અજાણ્યા રસ્તે વિના કારણ ફરતી હશે?
ને વળી, પવનની એક લહેરખી આવે છે,
સાથે લઈ આવે છે કોઈ વઘારની સોડમ,
ત્યારે તર્ક બાજુએ રહી જાય છે અને,
ક્યારેક એમ થાય કે આ ચટપટી વાનગી ક્યાં પીરસાતી હશે?
કયા ખૂણે, કયા ચૂલા પર આ સ્વાદ ચડતો હશે?
બસ, એ વિચાર માત્રથી જ સંયમ તૂટી જાય છે,
ભૂખ અને લાલચ વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ જાય છે,
ત્યારે સમજાય છે કે આ દેહ પણ ગુલામ છે સ્વાદનો,
નહીંતર, માત્ર કલ્પનાથી જ...
મોઢામાં આવતું પાણી "સ્વયમ્' લાર બની ટપકતું કેમ હશે?
કદાચ, આ રિક્ષાની ગતિ અને જીભની તૃપ્તિ,
એ બે વચ્ચે જ તો આખું જીવન "સ્વયમ્'ભૂ" દોડતું હશે!
અશ્વિન રાઠોડ સ્વયમ્'ભૂ