એ મારું વ્હાલું ગામડું કંસારી
સવારના સૂરજ સાથે મારું ગામ જાગતું જાય,
જ્યાં ધૂળિયા રસ્તે ચાલતા લોકો જય શ્રી રામ કહેતા જાય,
એ મારું વ્હાલું ગામડું કંસારી,
જ્યાં ધરતી–ખેડૂત એક થતાં માટીની સુગંધ ચારેકોર ફેલાય,
જ્યાં આકાશ, વાદળ, ધરતી શું? પાકને દેવતા માની પૂજાય,
જ્યાં નાત–જાતના ભેદ ભૂલી, દરેક તહેવાર ધૂમધામથી ઉજવાય,
જ્યાં સંસ્કૃતિ, સંસ્કાર અને સંગાથનું મિલન અનોખું થાય,
એ મારું વ્હાલું ગામડું કંસારી,
જ્યાં ઓટલાં–ફળીયાંમાં લંગડી, ખો-ખો રમતા હૈયું ખીલી જાય,
જ્યાં એક પોકારે વાડા–ફળીયાંથી ગામના મિત્રો ભેગા થાય,
જ્યાં કાચી કેરીના સ્વાદ માટે ટોળું એકઠું થાય,
જ્યાં સાંજે ઘંટડીના નાદ સાથે હનુમાન ચાલીસા ગુંજાય,
એ મારું વ્હાલું ગામડું કંસારી,
જ્યાં બાળપણ યાદ આવતા મારી આંખો ભીની થાય,
જેનું નામ લેતા મારી ડોક ગર્વથી ઊંચી થાય,
એ મારું વ્હાલું ગામડું કંસારી..