હૃદયસ્પર્શી ટૂંકી વાર્તા
રવિવારનો દિવસ હતો.સાહિલને ઓફિસની રજા હતી, માટે પત્ની સંધ્યાએ સાહિલને વહેલા ના જગાવ્યો, માટે સાહિલ અને તેનો 10 વર્ષનો બાળક ક્રિશિવ બંને મોડે સુધી સુતા રહ્યા. 10:30 વાગ્યા પછી સાહિલ જાગ્યો અને 11:00 વાગ્યે તેનો પુત્ર ક્રિશિવ જાગ્યો. બંને બાપ દીકરાએ નિત્યક્રમ પતાવ્યા ત્યાં પત્ની સંધ્યા બંને માટે ચા નાસ્તો લઇ ને આવી. ત્રણેયે ચા નાસ્તો કર્યો ક્રિશિવ વચ્ચે વચ્ચે સાહિલને કોઈ ને કોઈ પ્રશ્નો પૂછતો, સંધ્યા તેને ઠપકો આપતી કે બેટા ખાતી વખતે બોલ બોલ ના કરાય, પણ સાહિલે પુત્રને પહેલેથી જ પ્રશ્નો પૂછવાની સ્વતંત્રતા આપેલી, માટે સાહિલ પોતાના પુત્રના પ્રશ્નોના શાંતિથી જવાબ આપતો. સાહિલને સારા સારા પુસ્તકો વાંચવાનો ઘણો શોખ હતો અને તેણે ઘણા બધા પુસ્તકો વાંચ્યા પણ હતા, તેમાં એક પેરેન્ટિંગના પુસ્તકમાં તેણે વાંચેલું કે.."બાળકોમાં કંઈક જાણવાની જીગ્યાસા બહુ હોય છે, સારા પેરેન્ટ્સ તેમના બાળકની જીગ્યાસાનો ઉતર આપી ને શાંત કરતા હોય છે. બાળક સાવ કોરી પાટી જેવું હોય છે, તેને નવું નવું જોવાનું નવું નવું જાણવાની ખૂબ જ ઈચ્છા હોય છે, માટે દરેક માં બાપે પોતાના બાળકની બધી જીગ્યાસા શાંત કરવી જોઈએ તો જ બાળક નવું શીખશે નવું જાણશે અને જીવનમાં આગળ વધી શકશે."
આખો રજાનો દિવસ આમ જ પ્રશ્ન ઉત્તરમાં, ટીવી જોવામાં અને વાંચવામાં નીકળી ગયો. સાંજ પડી ગઈ હતી. પુત્ર ક્રિશિવે સાહિલને કહ્યું... પપ્પા આજે રજા હતી તોય તમે મને બહાર ના લઈ ગયા, સાંજ થઇ ગઈ.
સાહિલે કહ્યું એમાં શું હતું ચાલ હવે લઈ જાવ. એમ કહી બંને બાપ દીકરો કારમાં બેસીને બહાર આંટો મરવા ગયા શહેર તરફ, સંધ્યાને ઘરનું કામ હતું માટે તે ના ગઈ. સાહિલે કાર એક બગીચા પાસે પાર્ક કરી અને બંને બાપ દીકરો બગીચામાં ગયા. બગીચાનું દૃશ્ય ખૂબ જ આહલાદક હતું, ક્યાંક પક્ષીઓનું મધુર સંગીત તો ક્યાંક નાના બાળકો હિંચકે લપસીએ રમતા તેનો મીઠો ઘોંઘાટ, ક્યાંક માળી નાના છોડનું કટીંગ કરતો હતો, ક્યાંક પ્રેમી પંખીડા પોતાના પ્રણયમાં ડૂબીને બેન્ચ પર બેસીને વાતો કરતા હતા, તો ક્યાંક એક આધેડ વયનું દંપતી એકબીજા સાથે ઝઘડો કરી રહ્યું હતું અને મોટે મોટેથી ગુસ્સો કરીને લાંબા હાથ કરી કરીને એકબીજાને ભાંડતું હતું, ક્યાંક વૃધ્ધ દંપતી ધીમે ધીમે વોકિંગ કરતા હતા, ક્યાંક બીજા માતા પિતાઓ પોતાના બાળકોનું ધ્યાન રાખી રહ્યા હતા, ક્યાંક ચન્ના જોરગરમ અને ચણા દાળ વેચી રહેલો ફેરિયો ચક્કર લગાવી રહ્યો હતો, ક્યાંક બગીચાનો સ્ટાફ પોતાની જવાબદારી નિભાવી રહ્યા હતા.
સાહિલ અને ક્રિશિવે બગીચામાં આંટો મારીને આ બધા દ્રશ્યો જોયા અને ત્યાર બાદ પેલા પ્રેમી પંખીડા બેઠા હતા તેની આગળની બેન્ચ પર જઈ બેસી ગયા. થોડીવાર બેઠા પછી ક્રિશિવે સાહિલને કહ્યું... પપ્પા એક વાત સમજાતી નથી શું તમે મને એનો જવાબ આપશો?
સાહિલે કહ્યું હા બોલ બેટા. ત્યારે ક્રિશિવે ખૂબ જ આશ્ચર્ય સાથે કહ્યું કે આપણે હમણાં બગીચામાં આંટો મારી રહ્યા હતા ત્યારે એક સ્ત્રી પુરુષ (આધેડ વયનું દંપતી) ખૂબ જ મોટે મોટે થી ઝગડો કરી રહ્યા હતા તે બન્ને એકબીજાથી કઈ વધારે દૂર નહોતા, ધીમેથી બોલે તોય એકબીજાને સરળતાથી સાંભળી શકે, તેમ છતાં તે ખૂબ જ મોટે મોટેથી બોલી રહ્યા હતા, જ્યારે આપડી પાછળ બેન્ચ પર બેઠેલા છોકરો ને છોકરી ખૂબ જ ધીમે ધીમે બોલે છે ને શાંતિથી વાતો કરે છે આપણે તેને સાંભળી નથી શકતા. તો આ બંને ઘટના વચ્ચે શું અંતર છે? એકને આપણે દૂરથી પણ સાંભળી શકીએ છીએ જ્યારે બીજું આપણી નજીક છે છતાં એમની વાતો આપણે સાંભળી શકતા નથી, આવું કેમ? સાહિલ થોડું હસ્યો અને પછી સરસ મજાનો જવાબ આપે છે.
"જો બેટા જ્યારે આપણે કોઈની સાથે ઝઘડો કરીએ ત્યારે ઝગડો કરવા વાળા બંને વ્યક્તિ ભલે નજીક જ હોય એમના શરીર ભલે નજીક નજીક જ હોય પણ હૃદયથી તે ખૂબ જ દૂર થઈ ગયા હોય છે, ભલે થોડી વાર માટે હોય કે લાંબા સમય માટે હોય પણ ઝગડો વ્યક્તિને હૃદય અને મનથી ખૂબ દૂર કરી નાખે છે, વ્યક્તિ ઝગડામાં સામેની વ્યક્તિ નજીક હોવા છતાં હૃદયથી દૂર હોવાના કારણે તે તેને ઘણો દૂર લાગે છે અને તે તેને સાંભળી શકે માટે મોટે મોટેથી બોલે છે.
જ્યારે બે વ્યક્તિ એકબીજાને ખૂબ પ્રેમ કરતા હોય ત્યારે તે હૃદય અને મનથી ખૂબ જ નજીક હોય છે જેમ કે બે શરીર ને એક જીવ હોય એમ, માટે હૃદય અને મનથી નજીક વ્યક્તિ એકબીજાની ધીમી વાત કે માત્ર ઇશારો પણ જલ્દી સમજી જાય છે, હૃદય અને મનથી નજીક હોય તે વ્યક્તિ મીલો દૂર હોય તો પણ પોતાના સાથીની હૃદયની વાત પણ જાણી લે છે, એનું મૌન પણ તેને સમજાય જાય છે."
બંને બાપ દીકરો થોડું હસ્યા અને ત્યાંથી ઊભા થઈ ને બહાર નીકળી કારમાં બેસીને ઘર તરફ ગયા રાત થઈ ગઈ હતી. ક્રિશિવે જીવનનો એક સારો પાઠ ગ્રહણ કર્યો હતો પોતાના શિક્ષક જેવા પિતા દ્વારા જેને તેનો સંતોષ હતો.