હેતપ્રેમ સદા વહેંચાય હરિના હાટમાં રે.
માલ કદી ના ખૂટી જાય હરિના હાટમાં રે.
ભીડ ભક્તોની ત્યાં ઊભરાતી પામવા કાજે,
એને દેખી હરિ હરખાય હરિના હાટમાં રે.
આવે જીવ પરોપકારી ઈશ્વર જેને વહાલા,
અંશ અંશી ભેગા થાય હરિના હાટમાં રે.
દેવ દાતાર દેતા મબલખ લેવાય એટલું લ્યોને,
સદગુણ કેરી લ્હાણી થાય હરિના હાટમાં રે.
લઈ લીધું એ પામી જનારા ફેરો સફળ થાય,
લખચોરાશી એના ટળી જાય હરિના હાટમાં રે.
નામસ્મરણની અઢળક મૂડી સૌને વહેંચાય,
અંતર ભક્તોનાં ઊભરાય હરિના હાટમાં રે.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.