શબ્દ ઝરુખે!
થેપી થેપીને તમે થેપલાં જ થેપ્યા, ને થેપલાંનો ભરી દીધો થાળ.
ગામતરે જાઓ ત્યાં ચાલે છે થેપલાં, ના મળતા લાડુ કે દાળ.
ગોળ કે અથાણું કે હોય પછી છાશ કે ચાની હો ચૂસકી જરાક.
થેપલાને ફાવે છે સહુની સાથે કે પછી લસણની ચટણી કે શાક.
ગુજરાતી હોવાનું ગૌરવ લઇ ઉભાછે, થેપલાંની જડશે નહિ જોડ.
ગાડામાં રખડો કે ઊડો વિમાનમાં થેપલાંની કોને છે હોડ?
શિતળા સાતમની આ વરણાગી વાનગીના લેજો તમે પણ ઓવારણાં.
ફરવાનું બહાનું છે થેપલાંની સાથે કે આવે છે આઠમ ને પારણા.
– ડો આશિષ ઠાકર