નથી એ ભક્તજનથી દૂર, હરિવર આવશે જરુર.
પ્રગટાવો ઉરે પ્રેમના પૂર, હરિવર આવશે જરુર.
છે એ અંતરયામી, ના જોતા ભક્તની ખામી,
ઊભરાવો નૈનને ભરપૂર, હરિવર આવશે જરુર.
છે એનું ઉરકમળ નવનીત, કરો એનાથી તમે પ્રીત,
ભક્તિમાં લાવો તમે નૂર, હરિવર આવશે જરુર. હૃદયના ભાવોને જોનાર, કરે ભક્તની એ વહાર,
પુલકિતગાત્રે પ્રાર્થનાસૂર, હરિવર આવશે જરુર.
કામક્રોધાદિક તો છૂટે, હરિના નામનો રસ લૂંટે,
આવા ભક્તો એને મંજૂર, હરિવર આવશે જરુર.
નામ પાસે હારે નામી, ન જોતા નિજજનની ખામી,
હોય હરિ કાજે ગાંડાતૂર, હરિવર આવશે જરુર.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.