" વીતી ગયેલો સમય "
વીતી ગયેલા સમયમાં ફરીથી જીવવું છે.
જૂની યાદો યાદ કરતાં હસવું છે, રડવું છે.
તું આવે તો દોસ્ત ભૂતકાળમાં સરવું છે.
વીતી ગયેલા બાળપણને જીવંત કરવું છે.
કાગળની હોડીને, તરતી મૂકી તળાવમાં,
પગ ઝબોળી પહેલા પગથિયે બેસવું છે.
પાદરનાં વડલાનાં છાંયડામાં રમતાં રમતાં,
લટકતી વડવાઈઓ પકડી હીંચકે હીંચવું છે.
કેવાં લપસતાં 'તાં, પેલા તળાવની પાળેથી,
હાથ ઝાલી પાળેથી તારી સાથે લપસવું છે.
આવ "વ્યોમ" ફરી ચાની કીટલીના બાંકડે,
ચાની ચૂસકી લેતાં લેતાં યાદોમાં વિહરવું છે.
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.