ક્યા શબ્દોથી મા આજે તને નવાજું.
નથી દેખાતું કોઈ તારા સમાન બીજું.
બાળપણની યાદો આજેય જીવે છે,
ઋણ ચૂકવવાનું મા નથી મારું ગજું.
કેવળ શબ્દોની ફૂલછાબ તને ધરીને,
ના આપી શકું પ્રતિઉપકારે કૈં ઝાઝું.
નથી મળતો સાદ તારો સાંભળવાને,
તોય રહું કરજદાર સર્વસ્વ હું તજું.
તારા ન હોવાની ખોટ જબરદસ્ત છે,
તને મા યાદ કરીકરીને ઈશ્વરને ભજું.
સ્વર્ગ, સાકેતને ખુદ હરિ નાના પડે,
હું તો પરમેશથી વધુ તુજને સમજું.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.